New Delhi, તા. 2
દેશમાં સમૃધ્ધિ ફકત મેટ્રો સીટીથી લઇને મહાનગરોમાં દેખાતી હોય છે પરંતુ વાસ્તવમાં ગ્રામિણ ભારત એ પણ હવે આર્થિક પ્રગતિનું એક મુખ્ય શક્તિ બની રહ્યું હોવાના સંકેત છે અને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા 29.1 કરોડ ભારતીયો હવે તેમની જીવનશૈલીને બદલી રહ્યા છે.
હાલમાં જ એક અહેવાલમાં દર્શાવાયું કે ગ્રામિણ ક્ષેત્રમાં જે રીતે સ્માર્ટ ફોનથી લઇ વાહન અને બ્રાન્ડેડ ઉત્પાદનો તેમજ જેને આધુનિક જીવનશૈલી સાથે સાંકળી શકાય તે પ્રકારની ખરીદી ગ્રામિણ વિસ્તારોમાં વધી છે અને તેનું મુખ્ય કારણ દેશના ગ્રામિણ ક્ષેત્રમાં પ્રતિ વ્યકિત આવક એ નવો રેકોર્ડ બનાવ્યો છે.
દેશના 112 ગ્રામિણ જિલ્લામાં કરવામાં આવેલા સર્વેમાં જણાવાયુ કે અહીં પ્રતિ વ્યકિત આવક 2000 ડોલર એટલે કે રૂા. 1.71 લાખથી પણ વધી ગઇ છે. જેના કારણે તેની જીવનશૈલી બદલાઇ રહી છે. આ રીપોર્ટ મુજબ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજયો પોતાના મજબુત અર્થ વ્યવસ્થા અને યોજનાઓના અમલીકરણના કારણે તેના લાભો ગ્રામિણ વિસ્તારોમાં પહોંચી ગયા છે.
દેશના જોકે બે ટોચના રાજયો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્થિતિ અલગ છે અને ત્યાં હજુ ગ્રામિણ ક્ષેત્રમાં ગરીબી અને વૈભવી અથવા તો ઇચ્છીત નહીં તેવી જીવનશૈલી જોવા મળી રહે છે. જયારે અન્ય રાજયોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. ગ્રામિણ ઉદ્યોગ ક્ષેત્રનું મૂલ્ય ર9 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે જે 7.1 ટકાના દરે વધ્યું છે.
જેમાં આ નિર્માણ એટલે કે બાંધકામ ક્ષેત્રનો ફાળો 8.7 ટકા જીવન વ્યવસ્થાનો ફાળો 6.9 ટકા અને માઇનીંગનો ફાળો 13.પ ટકા જોવા મળી રહ્યો છે. પણ સૌથી વધુ ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 10.6 ટકા રહ્યું છે. જેમાં તામિલનાડુ પ્રથમ સ્થાને છે અને રાજસ્થાન બીજા સ્થાને છે. ગ્રામિણ અર્થવ્યવસ્થા ભારતમાં 61 લાખ કરોડનું યોગદાન આપી રહી છે.
જોકે તેમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન સૌથી મોટુ છે અને તેમાં પ્રતિ વ્યકિત આવક વધારવામાં કૃષિએ પોતનો ફાળો આપ્યો છે. અનેક રાજયોમાં આ આવક પ્રતિ વ્યકિત 3000 ડોલર 2.56 લાખ જેટલી પહોંચી ગઇ છે. ગ્રામિણ વ્યવસ્થામાં જે રીતે વૃધ્ધિ થઇ છે તેનું મુખ્ય કારણ શહેરોની આસપાસના વિસ્તારોમાં વધેલી ઔદ્યોગિક અને કૃષિ આધુનિક પ્રવૃતિને પણ જવાબદાર ગણવામાં આવે છે.
જેમાં હોટલ, રીયલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમાં પણ તામિલનાડુ સૌથી આગળ છે જયારે આ પ્રકારની સેવાઓમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે.