“ગુડ મોર્નિંગ વૈશાલી”
ઇન્ટરનેટ કનેક્શન વગરના કોમ્પ્યુટર ઉપર ટાઇમપાસ કરતી વૈશાલીના કાને અચાનક જ રૂમમાં પ્રવેશેલી છાંયાનો અવાજ અથડાયો.
“વેરી ગુડ મોર્નિંગ મેડમ”
વૈશાલી એ પણ ખુરશીમાંથી ઊભા થઈ અતિ વિનમ્રતાથી છાંયાના ગુડ મોર્નિંગનો રીપ્લાય આપ્યો. બહુ મોંઘા નહીં, છતાં પણ કોઈ કોર્પોરેટ કંપનીની પ્રોફાઈલને છાજે તેવા ફોર્મલ ક્લોથમાં વૈશાલી ખરેખર આકર્ષક લાગી રહી હતી.
વૈશાલીનું ડ્રેસિંગ અને તેની વાત કરવાની રીત જોઈ છાયાને મનોમન પોતે કોઈ મોટી કોર્પોરેટ કંપનીની માલિક હોય તેવી ફીલિંગ થઈ અને પોતાની એમ્પ્લોઇ સિલેક્શન સ્કીલ પર ખરેખર ગર્વ થયો.
“બેસ-બેસ વૈશાલી ચા પાણી પીધા?”
“થેન્ક્યુ મેડમ, પણ હું ચા કે કોફી કશું નથી પીતી.”
” ઓહ, ઓ.કે., તો હવે આપણે કામની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી કરીશું?” છાયા સીધી મુદા પર આવી.
“મેડમ, તમારે મને સૌથી પહેલા એ માહિતી આપવી પડશે કે, આપણે કઈ પ્રકારના એમ્પ્લોઇની જરૂરિયાત છે? તેની પાસેથી શું કામ કરાવવાનું છે? સાથે-સાથે આપણે કેટલું ક્વોલિફિકેશન અને કેટલા અનુભવની જરૂરિયાત છે? તેમજ કેટલા મેલ અને કેટલી ફિમેલ જોઈએ છે?, ક્યાંથી ક્યાં સુધીનું પગાર ધોરણ ઓફર કરવાનું છે, તે પણ તમારે મને જણાવવું પડશે. બસ આટલી વિગત આપશો એટલે હું ઝડપથી મારી કામગીરી શરૂ કરી અને તમને ફટાફટ રીઝલ્ટ આપીશ.”
વૈશાલી પોતાનું પૂરેપૂરું હોમવર્ક કરીને આવી હતી, જેથી તેણીએ સચોટ રીતે મુદ્દાસર અને ટૂંકમાં પોતાની વાત છાંયાના ગળે ઉતરી શકે તે રીતે રજૂ કરી.
ખબર નહીં કેમ? પણ ભલભલા પુરુષોને પોતાની મોહિનીથી પાણી પાણી કરી નાખનાર છાંયા આજે અનુભવી તેમજ મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની વૈશાલીના વાક્ચાતુર્યની જાળમાં ફસાતી જઈ રહી હતી.
વૈશાલીએ માંગેલી તમામ માહિતી છાંયાએ આપવાની શરૂઆત કરી અને વૈશાલીએ ફટાફટ છાંયા પાસેથી મળી રહેલી તમામ માહિતીની નોંધ કોમ્પ્યુટરમાં એક્સેલ વર્કબુકમાં નોંધવાની શરૂ કરી. માહિતીની નોંધ આ રીતે કોમ્પ્યુટર પર રાખવાનું વૈશાલીનું પ્રોફેશનાલિઝમ જોઈ છાંયા, વૈશાલીથી વધુ પ્રભાવિત થઈ. શિકાર ધીમે ધીમે અજગર ભરડામાં આવી રહ્યો હતો.
“મેડમ મારે કામની ઝડપ માટે એક ઇન્ટરનેટ કનેક્શન અને એક ટેલીફોનની જરૂરિયાત રહેશે.”
બધી નોંધ પૂરી થઈ ગયા પછી વૈશાલીએ પોતાની અન્ય રિક્વાયરમેન્ટ પણ જણાવી.
“જો વૈશાલી, આપણે આ ઓફિસ હજુ બે દિવસથી જ શરૂ કરી છે, આપણું મુખ્ય કામ બાજુના ફ્લેટમાં ચાલી રહ્યું છે એટલે ટેલીફોન કનેક્શન અને ઇન્ટરનેટ માટે કદાચ બે-ત્રણ દિવસ તારે રાહ જોવી પડશે.”
“જો મેડમ પોસિબલ હોય તો મને કોઈક મોબાઈલ ફોન આપશો તો પણ હું કામ કરી શકીશ, અથવા આપ અલાઉડ કરો તો જ્યાં સુધી મને કંપનીનો ટેલીફોન નથી મળતો ત્યાં સુધી હું મારા પર્સનલ મોબાઈલનો આપણી કંપનીના કામ માટે વપરાશ કરું, જેથી મારે ફ્રી ન બેસવું અને આપણા કંપનીના સમયનો પણ સદુપયોગ કરી શકાય.”
વૈશાલી એક એક શબ્દ ગોઠવી અને છાંયાને લપેટામાં લઈ રહી હતી.
“હા, હા, વૈશાલી એમાં કંઈ થોડું તારે પૂછવાનું હોય જ્યાં સુધી કંપની તને ટેલીફોન પ્રોવાઇડ નથી કરતી ત્યાં સુધી કંપનીના કામ માટે તું તારા મોબાઇલનો ઉપયોગ કરી શકે છે એન્ડ આઈ લાઈક યોર વર્ક ડેડીકેશન.”
છાંયાએ પણ વૈશાલીને પ્રભાવિત કરવા પોતાને આવડતા કે ગોખી રાખેલા દસ-પંદર અંગ્રેજી વાક્યોમાંથી એકનો ઉપયોગ કર્યો.
“મેડમ એક લાસ્ટ રિક્વાયરમેન્ટ. મારે આપણી કંપનીની પ્રોફાઈલ તૈયાર કરવા માટે કંપનીનું આખુ નામ અને રજીસ્ટ્રેશનની ડિટેલ જોશે જેથી કેન્ડિડેટ્સ સાથે શેર કરી શકાય.”
આ પ્રશ્ન માટે છાંયા તૈયાર ન હતી. આ પ્રશ્ન છાંયા માટે તેના સિલેબસની બહારનો હતો, કેમકે આ તો ફ્રોડ કોલ સેન્ટર હતું જેનું અત્યાર સુધી કોઈ જ નામ પાડવામાં આવ્યું ન હતું કે, કશે રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું ન હતું. તેમજ અત્યાર સુધી ફ્રોડ કોલ સેન્ટરમાં કામ કરતા દરેક કર્મચારીઓ એકબીજાની ઓળખાણ કે સંબંધના નાતે જ અહીં જોડાયા હતા.
“વૈશાલી મને એક અગત્યનું કામ યાદ આવી ગયું, તું બેસ હું હમણાં જ આવું છું” આટલું કહી વૈશાલીના કોઈ પણ રિએક્શનની રાહ જોયા વગર ઝડપભેર છાંયા રૂમની બહાર નીકળી ગઈ. કેમકે, તે પોતાની મૂંઝવણ વૈશાલી સામે છતી થઈ જવા દેવા માગતી ન હતી.
છાયાના બહાર ગયા પછી વૈશાલીએ જાડેજા સાહેબને આપવા માટેની ચિઠ્ઠીમાં પહેલી ટૂંકી નોંધ કરી, નામ કે રજીસ્ટ્રેશન વગરનો ફ્રોડ બિઝનેસ.
“આનંદ આપણે ઉતાવળમાં હ્યુમન રિસોર્સનું કામકાજ જાણતી વ્યક્તિને અપોઇન્ટ તો કરી લીધી પણ એક વાત આપણા ધ્યાન બહાર રહી ગઈ કે ઇન્ટરવ્યૂ આપવા માટે નવા નવા કેન્ડીડેટ્સને આમંત્રિત કરતી વખતે તેમને કંપનીની પ્રોફાઈલ કઈ રીતે જણાવવી? કંપનીનું નામ, કંપનીના બિઝનેસની માહિતી, સરનામું અને બીજી ઘણી બધી ડિટેલ આપણે ઇન્ટરવ્યૂ પ્રોસેસ માટે કેન્ડિડેટને આમંત્રિત કરતી વખતે અગાઉથી જણાવવી પડશે, આ તો અચાનક જ નવી અપોઇન્ટ કરેલી પેલી છોકરી સાથે વાત કરતા કરતા મને સ્ટ્રાઈક થઈ એટલે સીધી તારી પાસે આવી અને તને જણાવી રહી છું.”
છાંયાએ ઈરાદાપૂર્વક આનંદ ભાવનગરી સમક્ષ એવું જાહેર ન થવા દીધું કે, આ સ્ટ્રાઈક પોતાને નથી થઈ પણ વૈશાલી તરફથી આવેલો સવાલ છે. કેમકે, પહેલેથી જ છાંયા આનંદ ઉપર પોતાનું આધિપત્ય કાયમ રાખવા માગતી હતી. શરૂઆતથી જ છાંયાનો એક થોટ બહુ ક્લિયર હતો કે, પોતાના સિવાય કોઈ આનંદ ભાવનગરીની નજીક ન પહોંચવું જોઈએ ખાસ કરીને કોઈ અન્ય સ્ત્રી તો નહીં જ.
“આ વાત તો મારા પણ સાવ ધ્યાન બહાર જ રહી ગઈ. વિચારવા દે મને”
આટલું બોલી આનંદ ભાવનગરીએ પાસે પડેલી પેન હાથમાં લઇ પેનથી પેપરમાં ગોળ ગોળ ચકરડા કરવાનું શરૂ કર્યું. આનંદની એક ટેવ હતી કે, તે જ્યારે પણ કોઈ સમસ્યા પર વિચાર કરતો હોય ત્યારે અનાયાસે એ પેપરમાં ગોળ ગોળ ચકરડા કરતો જ રહેતો અને ત્યાં સુધી કરતો કે જ્યાં સુધી તેને કોઈ સમસ્યાનું સમાધાન ન મળી જાય.
થોડો સમય આમને આમ પસાર થઈ ગયો. પછી આનંદનો હાથ અચાનક પેપર પર ગોળ ચકરડા કરતો થંભી ગયો અને તે જોઈને છાયા પણ મનોમન સમજી ગઈ કે, આનંદે સમસ્યાનું કંઈક સમાધાન શોધી લીધું લાગે છે.
“એક કામ કર છાયા હાલમાં તો મને તારા પ્રશ્નનું કોઈ સમાધાન દેખાતું નથી પરંતુ, મને એક તરકીબ સૂઝી છે. આજે બપોર પછી અથવા કાલે હું નવી અપોઇન્ટ થયેલી છોકરીને એક વખત રૂબરૂ મળી લવ. મારી મુલાકાત ઔપચારિક હશે પરંતુ, તેની સાથે વાત કર્યા પછી જો મને કંઈ આગળનો રસ્તો સુજે તો હું તને જણાવીશ એટલે હાલમાં તું એક દિવસનો ટપો પાડી દે.”
સમય નજીક આવી રહ્યો હતો.
આર્થિક ગુન્હાની દુનિયાના રાવણ… અને કાયદાને પોતાનો ધર્મ સમજનાર કાયદાના રક્ષક એવા રામ…. દ્વારા મોકલવામાં આવેલ રામના દૂતની મુલાકાતનો….
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)