“સર! જો આ વ્યક્તિને આજે નહિ રોકવામાં આવે તો આવતીકાલે બની શકે કે તે ઇન્ડિયાનો મોટામાં મોટો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બની જશે. તેની મોડસ્ ઓપરેન્ડી જોતા તો એવું લાગી રહ્યું છે કે, તે હવે વધુ સમય ઇન્ડિયામાં નહીં રોકાય અને એક વખત જો તે ઈન્ડિયાની બહારથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરતો થઈ જશે તો પછી તેના સુધી પહોંચવું આપણા માટે અશક્ય બની જશે.”
પી.એસ.આઇ. અને લેડી ઓફિસર જાડેજા સાહેબને આનંદ ભાવનગરી અને તેની કામ કરવાની પદ્ધતિ વિશે માહિતી આપી રહ્યા હતા.
“સર! આ આનંદ ભાવનગરી જે અપરાધ કરી રહ્યો છે તે એક નવી જ પ્રકારનો અપરાધ છે અને આ અપરાધની હજી શરૂઆત છે. જો આને મોકો મળશે તો તે આખા હિન્દુસ્તાનમાં પોતાના ફ્રોડ કોલ સેન્ટર ફેલાવી દેશે અને જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધતો જશે તેમ તેમ આ કોલ સેન્ટર માત્ર લોન ઈચ્છુક કે, લોનના બાકી હપ્તાદારો પૂરતા સીમિત ન રહી અને આવનારા સમયમાં એક બહુ મોટા ગુનાને જન્મ આપશે.”
આઈ.ટી.માંથી અનુસ્નાતક થયેલી લેડી ઓફિસર પોતાના અનુભવ અને જ્ઞાન મુજબ જાડેજા સાહેબને માહિતી આપી રહી હતી, ત્યારે કદાચ તેને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે હાલના સમયમાં ભારતમાં જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બાકી વીજળી બિલ, ડિજિટલ એરેસટ, ઓનલાઇન લોટરી જીતવી, ઓ.ટી.પી. વગેરે જેવા 47 થી વધુ પ્રકારના સાઇબર ક્રાઇમ ચાલી રહ્યા છે તેનો જન્મદાતા આનંદ ભાવનગરી બનવાનો હતો.
“ઠીક છે, તમારા લોકોની વાત હું સમજી ગયો છું. પરંતુ, આ અપરાધ તદ્દન નવીન પ્રકારનો છે એટલે કાયદાની કઈ કલમ હેઠળ કેટલી સચોટ કામગીરી કરી શકાય તેનો મારે અભ્યાસ કરવો પડશે. તેમજ તમારા આ આનંદ ભાવનગરીની આખી જન્મકુંડળી કઢાવતા પણ મને સમય લાગશે એટલે તમે હાલમાં જે નાટક ભજવી રહ્યા છો તે તમારે બે કે ત્રણ દિવસ વધુ ભજવવાનું રહેશે.”
જાડેજા સાહેબની કામ કરવાની રીત જ એ પ્રકારની હતી કે, ગુનેગારને કાયદાની કોઈપણ છટકબારીનો લાભ ન મળે અને કોઈ પણ કડી નબળી ના રહી જવી જોઈએ.
પોતાના ઓફિસર્સ સાથે મીટીંગ પૂરી કરી જાડેજા સાહેબે ભાવનગર મુકામે હોટલ નીલમબાગ પેલેસમાં ફોન જોડ્યો. જ્યાં તેમના મામાના દિકરા અને ભાવનગરના મૂળ વતની, મેનેજર તરીકે વર્ષોથી કાર્યરત હતા. પ્રાથમિક ખબર અંતર પૂછી જાડેજા સાહેબે પોતાની પાસે રહેલી આનંદ ભાવનગરી વિશેની માહિતી તેમને આપી અને જેમ બને એમ ઝડપથી તેની કુંડળી કાઢી આપવા વિનંતી કરી.
ત્યારબાદ જાડેજા સાહેબે પોતાના ઉપરી અધિકારીને પણ ફોન જોડ્યો અને તેમની સાથે આનંદ ભાવનગરીના કેસ વિશે ચર્ચા કરી અને ત્યાં પોતાનું રેડ પાડવાનું આયોજન પણ જણાવી તેમની લેખિત પરવાનગી આપવાનો અનુરોધ પણ કરી દીધો.
એક બાહોશ પોલીસ ઓફિસર પોતાની આગવી સૂઝ-બુજ અને સચોટ કાર્ય શૈલી સાથે પૂરની ઝડપે આગળ વધી રહ્યા હતા.
આ બધી કાર્યવાહીમાં લગભગ બે દિવસ જેવો સમય પસાર થયો. બે દિવસ દરમિયાન ભાવનગર મુકામેથી આનંદ ભાવનગરીની ફીનાઇલના ફેરિયાથી લઇ ફ્રોડ કોલ સેન્ટરના માલિક સુધીની સંપૂર્ણ કુંડળી પણ જાડેજા સાહેબના હાથમાં આવી ગઈ હતી. સાથે જ આનંદ ભાવનગરી ઉપર રેડ કરવાની તેમના ઉપરી અધિકારીની લેખિત મંજૂરી પણ મળી ગઈ હતી અને ઠીક તે જ બે દિવસોમાં વૈશાલી અને શ્યામ સહિતની જાડેજા સાહેબની ટીમે આનંદ ભાવનગરી, છાંયા, પાર્થિવ તેમજ તેમની સમગ્ર ટીમનો ઠીક ઠાક વિશ્વાસ પણ જીતી લીધો હતો.
ઠીક ત્રણ દિવસ પછી આનંદ ભાવનગરી પર ફાઇનલી ક્યારે રેડ પાડવી, કેવી રીતે પાડવી અને કોણે શું કામગીરી કરવી તેના પ્લાનિંગ માટે બધા જાડેજા સાહેબની ચેમ્બરમાં ભેગા થયા હતા. આ મિટિંગમાં આ વખતે શ્યામ અને વૈશાલીને પણ જોડવામાં આવ્યા હતા.
મિટિંગમાં એવું નક્કી થયું કે એક સાથે ત્રણ જગ્યાએ રેડ પાડવાની હતી. આનંદ ભાવનગરીની ઓફિસ, તેનો રહેણાંક ફ્લેટ તેમજ છાંયાનો રહેણાંક ફલેટ. છાયાનો રહેણાંક ફ્લેટ અલગ વિસ્તારમાં આવેલો હોય તે જાડેજા સાહેબની ટેરીટરીની બહાર હતો, પણ જે વિસ્તારમાં આવેલો હતો ત્યાંના પોલીસ અધિકારી સાથે સંકલન કરી લેવામાં આવ્યું હતું.
આનંદ ભાવનગરીની ઓફિસ ઉપર જાડેજા સાહેબ સહિત 16 સભ્યોની ટીમ રેડ કરવાની હતી. જેમાં એક લેડી પી.એસ.આઇ. અને ત્રણ લેડી કોન્સ્ટેબલ પણ સામેલ હતી. જ્યારે છાંયાના ફ્લેટ અને આનંદ ભાવનગરીના ફ્લેટ પર ચાર-ચાર લોકોની ટીમ રેડ કરવાની હતી અને તે દરેક ટીમમાં એક લેડી કોન્સ્ટેબલને સામેલ રાખવાની હતી. જેથી, જે-તે ઘરોમાં કોઈ લેડીઝ મેમ્બર હોય તો સમસ્યા ન આવે.
હેડ કોન્સ્ટેબલ હર્ષદની ટીમે અગાઉથી ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ‘રેકી’ કરી રાખી હતી. આર્થિક તેમજ માનસિક રીતે સૌથી નબળા જણાતા ચાર કર્મચારીને તાજના સાક્ષી બનાવવાનું નક્કી થઈ ગયું.
આનંદ ભાવનાગરીના ઓફિસ તરીકે વપરાતા ફ્લેટમાંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો તો ન હતો, તેમ છતાં આખા બિલ્ડીંગના તમામ એક્ઝિટ પોઇન્ટ કેવી રીતે સીલ કરવા તે પણ નક્કી થઈ ગયું.
આનંદ ભાવનગરની મુખ્ય ઓફિસમાંથી લગભગ 26 થી 27 લોકો પકડાવાની આશંકા હતી તો આટલા લોકોને બેસાડી અને પોલીસ સ્ટેશન સુધી લઈ આવવા માટે પોલીસના વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ, વાહન અગાઉથી ગોઠવવામાં આવે અને જો કોઈને શક પડી જાય તો આખી યોજના ઉંધી પડે, માટે તે સરકારી વાહનોને સૌથી સલામત અને નજીકના સ્થળે રાખવા માટે સ્થળની પણ પસંદગી થઈ ચૂકી હતી.
મિટિંગના અંતે છેલ્લે એવું નક્કી થયું કે, જે દિવસે રેડ પાડવાની છે તે દિવસે સવારથી જાડેજા સાહેબ અને તેમની ત્રણ ટીમ સવારથી લોકેશનની આસપાસ સાદા ડ્રેસમાં ગોઠવાઈ જશે. જ્યારે આનંદ ભાવનગરી અને છાંયા સહિતનો તમામ સ્ટાફ ઓફિસમાં હોય અને ગેરકાયદેસર કલેક્શનની પ્રવૃત્તિ પુર બહારમાં ચાલી રહી હોય ત્યારે વૈશાલી પોતાના ફોનમાંથી જાડેજા સાહેબને કોલ કરી સિગ્નલ આપશે અને ત્રીજી જ મિનિટે ત્રણે-ત્રણ ટીમ એકબીજા સાથે સંકલન કરી અને એક જ સાથે એક જ સમયે રેડ પાડશે.
નક્કી થયેલા દિવસે સવારથી ત્રણે ટીમો પોત પોતાના લોકેશનની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને રાહ જોવાઈ રહી હતી વૈશાલીના સિગ્નલની. આનંદ ભાવનગરીની ઓફિસ શરૂ થયાના બે કલાક માત્ર રાહ જોવામાં જ નીકળી ગયા પણ વૈશાલીયનો ફોન આવ્યો નહીં. જાડેજા સાહેબ અને બાકીની ટીમોની વ્યાકુળતા વધી રહી હતી, પરંતુ પૂર્વે નક્કી થયા મુજબ જાડેજા સાહેબે સામેથી વૈશાલીનો સંપર્ક કરવાનો નહોતો. આમને આમ બીજો એક કલાક પણ નીકળી ગયો, હવે જાડેજા સાહેબ ખરેખર અકળાયા હતા. જોકે, પોતાની જ ટીમના બે જાબાજ પોલીસ ઓફિસરો વૈશાલી અને શ્યામની સાથે અંદર જ કર્મચારી તરીકે કાર્યરત હતા તેથી તેમને બીજી તો કોઈ આશંકા ન હતી, પણ તેમના મગજના વિચારો તેમને એવું વિચારવા મજબૂર કરી રહ્યા હતા કે ‘રખેને!, આ લોકો પકડાય તો નહીં ગયા હોય ને? આખો પ્લાન ફ્લોપ તો નહીં થાય ને? આવડો મોટો ગુનેગાર હાથમાંથી છટકી તો નહીં જાય ને?’
આમને આમ વિચારો અને વિચારોમાં પોલીસની ત્રણે ત્રણ ટીમ સાંજે 5:00 વાગ્યા સુધી ભૂખી તરસી માત્ર રેડની કરવાની પ્રતિક્ષા કરી રહી હતી. પરંતુ, અંદરથી વૈશાલીનું ફોનરૂપી સિગ્નલ ન આવ્યું તો ન જ આવ્યુ. આમને આમ જ, એ આખો દિવસ ખાલી ગયો અને સાંજે ઝાંપામાંથી વૈશાલી, શ્યામ અને બન્ને પોલીસ ઓફિસર, કોલ સેન્ટરના કર્મચારી રૂપે પોતાની ડ્યુટી પૂરી કરી અને બહાર આવતા દેખાયા એટલે જાડેજા સાહેબે પોતાની ટીમને ઈશારો કર્યો અને બાકીની બન્ને ટીમને ફોન કરી જણાવી દીધું કે, આજે આપણને મિશનમાં સફળતા મળી નથી. પોલીસ સ્ટેશને આવી જાઓ આપણે ફરીથી મીટીંગ અને પ્લાનિંગ કરવું પડશે.
જાડેજા સાહેબની ટીમ સૌથી પહેલા પોલીસ સ્ટેશનને પરત ફરી. થોડી થોડી વારમાં બાકીની બંને ટીમો અલગ અલગ લોકેશન પરથી પરત આવી ગઈ. સવારથી બધા જ રેડ પાડવા માટે લોકેશનની આસપાસ ગોઠવ્યા હોય જાડેજા સાહેબને સુપેરે ખ્યાલ હતો કે, કોઈ જમ્યું પણ નહીં હોય તેથી જાડેજા સાહેબે તમામ ઓફિસરો માટે ઝડપથી ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો. હવે રાહ જોવાઈ રહી હતી પી.એસ.આઇ., લેડી ઓફિસર, શ્યામ અને વૈશાલીની, જેને પરત ફરવામાં વાર લાગવાની હતી. કેમકે, જાડેજા સાહેબની અગાઉથી જ તમામને સુચના હતી કે, કોઈપણ મીટીંગ કરવાની થાય, કે ક્યાંય મળવાનું થાય તો ઓફિસેથી નીકળી પહેલા સીધું ઘેર જવું. અડધો કલાક કે કલાક પછી જ ઘેરથી બહાર નીકળવું, જેથી કોઈ ફોલો કરતું હોય તો કોઈ પણ પ્રકારનો શક ન જાય અને કોઈ પણ રીતે પ્લાન ફ્લોપ ન થાય.
ચા નાસ્તા દરમ્યાન ટીમના દરેક મેમ્બર વચ્ચે એ જ તર્ક ચાલી રહ્યો હતો કે, કેમ વૈશાલી તરફથી સિગ્નલ ન આવ્યું. પરંતુ, જાડેજા સાહેબની સૂચનાને લઇ કોઈએ શ્યામ, વૈશાલી કે કોલ સેન્ટર ના કર્મચારી રૂપે રહેલ બેમાંથી કોઈ પોલીસ ઓફિસરને કોલ ન કર્યો.
ચા નાસ્તો પત્યા અને આશરે અડધો કલાક જેવો સમય થયો હશે ત્યાં વારાફરતી પી.એસ.આઇ. અને લેડી પોલીસ ઓફિસરે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી લીધી અને જાડેજા સાહેબને જણાવ્યું કે, આનંદ ભાવનગરી આજે ઓફિસે આવ્યો જ નથી માટે તમને કોઈ સિગ્નલ આપવામાં આવ્યું નહીં.
ફરીથી ટીમના બધા જ સભ્યો વચ્ચે તર્ક ચાલ્યો કે, આનંદ ભાવનગરી શા માટે આજે ઓફિસે આવ્યો નહીં હોય? જાડેજા સાહેબના મનમાં પણ દૂર-દૂર શંકાના વમળ ઊભા થવા માંડ્યા કે, ક્યાંક આનંદને રેડના પ્લાન વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? અને ક્યાંક એ ગામ કે દેશ છોડીને ભાગી તો નહિ ગયો હોય ને? અને આ વિચાર આવતાની સાથે જ જાડેજા સાહેબનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું.
જાડેજા સાહેબ અને બાકીના સભ્યો પોતપોતાનો તર્ક લગાવી રહ્યા હતા એટલી વારમાં જ ત્યાં વૈશાલી અને શ્યામે સાથે એન્ટ્રી લીધી અને આવતાવેત જ વૈશાલીએ અત્યંત ગભરાયેલા સ્વરમાં જાડેજા સાહેબને જે વાત કરી, તે વાત સાંભળી જાડેજા સાહેબ સહીત ત્યાં હાજર દરેક પોલીસ કર્મચારીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
“સર! આજે છાંયાને મેં આનંદ સાથે ટેલિફોન પર વાત કરતાં સાંભળી અને તેમની વચ્ચે થયેલી વાત મુજબ આજે આનંદ ઓફિસે ન આવી શહેરના એક બહુ જ મોટા અને જાણીતા રુલિંગ પાર્ટીના નેતા અને ધારાસભ્યને મળવા ગયો હતો.”
“તેમજ છાંયા એવું બોલતી હતી કે, આનંદ જો ખરેખર તે આપણા ભાગીદાર બની જાય! તો કોઈ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે.”
વધુ આવતા અને અંતિમ અંકે…