લગ્નમાં હાજર બુટલેગર લખન મેરુ ચાવડાને પકડવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટનામાં તાલુકા પોલીસમાં નવ શખ્સોં વિરુદ્ધ ફરિયાદ
Junagadh,તા.08
જૂનાગઢમાં બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામો છે. દારૂના ગુનામાં ફરાર બુટલેગર લખન મેરુ ચાવડા લગ્ન પ્રસંગમાં હાજર બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર નવેક શખ્સોંએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પીઆઈ વત્સલ સાવજને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બીજી બાજુ નવ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મામલામાં જૂનાગઢ સીટી સી ડિવિઝન પોલીસમાં પીઆઈ વત્સલકુમાર જયંતીલાલ સાવજએ સરકારી હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું તથા હેડ કોન્સ્ટેબલ પી જે વાળા, કોન્સ્ટેબલ સંજયસિંહ ચૌહાણ, દિનેશભાઈ જીલડીયા, દિલીપભાઈ ડાંગર, મનીષભાઈ હુંબલ તથા ડ્રાયવર કોન્સ્ટેબલ નાગદાનભાઈ સિંધવ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે બાતમી મળેલ કે, અમારી પાસે રહેલ પ્રોહીબિશનના ગુન્હાની તપાસના કામનો નાશતો ફરતો આરોપી લખન મેરૂ ચાવડા રહે. ગીરનાર દરવાજા જુનાગઢ વાળી પાદરીયા ગામે આવેલ શ્રી દ્વારકાધીશ ફાર્મમાં લગ્ન પ્રસંગમાં આવેલ છે અને હાલ તે ફાર્મમાં જ હાજર છે.
પ્રસંગમાં ઘણા માણસો હાજર હોય જેથી સાથેના પોલીસ સ્ટાફને નાશતો ફરતો આરોપી લખન મેરુ ચાવડા માણસોની ભીડનો લાભ લઈ નાસી ભાગી ન જાય તે માટે ફાર્મના પાછળના ભાગે હેડ કોન્સ્ટેબલ પી.જે,વાળા અને કોન્સ્ટેબલ દિનેશભાઈ જીલડીયાને મોકલેલ તેમજ સંજયસિંહ ચૌહાણ તથા મનીશભાઈ હુંબલને સ્ટેજની ડાબી બાજુ મોકલેલ અને હું તથા દિલીપભાઈ ડાંગર બંન્ને સ્ટેજ તરફ જતા સ્ટેજની પાછળના ભાગે લખન મેરુ ચાવડા ઉભેલ જોવામાં આવેલ હતો. જેથી તેના તરફ જતા લેખન મેરૂ ચાવડા જોઈ જતા પાછળના ભાગેથી ભાગેલ જેથી અમે પણ તેની પાછળ દોડી અને ફાર્મની બહાર નીકળતા લખન મેરૂ ચાવડાને અમે પકડી લીધેલ હતો. પોલીસની પકડથી ભાગી જવા લખન ચાવડાએ ઝપાઝપી કરી હતી. દરમ્યાન અન્ય આઠેક માણસો અમારી પાસે આવેલ અને ઘેરી લીધેલ હતા. તેમણે કહેલ કે અમારા લગ્ન પ્રસંગમાંથી આ લખન મેરૂ ચાવડાને લઈ જવા નહીં દઈએ. લખન મેરૂ ચાવડાને અમે પકડી રાખેલ હોય તેને છોડાવવા આ તમામ લોકો અમારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતા અમે નીચે પડી ગયેલ આમ છતાં લખન મેરૂ ચાવડા અને આ તમામ આઠેય જણા મને જેમ ફાવે તેમ પાટા મારતા હોય તે દરમ્યાન મારા જમણા હાથની આંગળીમાં ઈજા થયેલ અને અમારી સાથેના દિલીપભાઈ મને માર મારતા લોકોને પકડી અમારાથી દૂર કરી અમોને બચાવતા હતા. તે દરમ્યાન દિલીપભાઈએ અન્ય પોલીસ સ્ટાફના માણસોને બોલાવવા અવાજ કરેલ જેથી માર મારી રહેલ લખન મેરૂ ચાવડા તથા તેની સાથેના આઠેક માણસો ત્યાંથી ભાગી ગયેલ હતા.
જે મામલે જૂનાગઢ તાલુકા પોલીસમાં લખન મેરુ ચાવડા અને અજાણ્યા આઠ શખ્સોં વિરુદ્ધ પોલીસ પર હુમલો, ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બુટલેગર સહીત તમામની શોધખોળ શરૂ કરી છે.