New Delhi, તા.25
રખડતા શ્ર્વાનોના હુમલાના વધતા બનાવો સામે સર્વોચ્ચ અદાલતે આકરા આદેશ જારી કર્યા છે તેની વચ્ચે પાટનગર દિલ્હીના પ્રેમનગર વિસ્તારમાં દડાથી રમી રહેલા છ વર્ષના બાળક પર પિરબુલે હુમલો કર્યો હતો. કાન ફાડી ખાધો હતો અને માથા, ચહેરા તથા શરીર પર બચકા ભર્યા હતા. બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.
દિલ્હીના પ્રેમનગરમાં બાળકતેના મોટાભાઈ સાથે ગલીમાં બોલથી રમતો હતો ત્યારે દડો પાડોશીના ઘર તરફ ગયો હતો. બાળક દડો લેવા ગયો ત્યારે અચાક પિટબુલે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
પ્રત્યક્ષદર્શી સતીશના જણાવ્યા અનુસાર, અમે બાળકને પિટબુલથી બચાવ્યો હતો. ત્યારે અમે જોયું કે બાળકનો કાન કપાઈ ગયો હતો. તેને સુરક્ષિત રીતે પોતાની પાસે રાખ્યો. બાળકના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ મામલે પોલીસે પિટબુલના માલિક રાજેશ પાલ (50)ની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ કલમ 291 (પ્રાણીઓ પ્રત્યે બેદરકારી) અને કલમ 125(બ) (બેદરકારીથી અન્યના જીવને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, બાળકના માથા, ચહેરા અને શરીર પર પિટબુલના કરડવાના 10 થી વધુ ઊંડા ઘા છે. બાળકના પિટબુલે અગાઉ પણ 4-5 બાળકો પર હુમલો કર્યો છે. અમે ઘણીવાર કહ્યું કે આ કૂતરાને હટાવવામાં આવે, પરંતુ કંઈ થયું નહીં.

