Mumbai,તા.20
બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર નિતેશ તિવારીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘રામાયણ’નું આજે ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મમાં સીતા માતાનો આઇકોનિક રોલ કરી રહેલી સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ સાઇ પલ્લવીએ પોતાના પાત્રને લઈને અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. સાઇ પલ્લવીએ જણાવ્યું કે, ભગવાન રામની પત્ની અને આસ્થાનું પ્રતીક એવા સીતાજીનું પાત્ર ભજવવા માટે તેણે પોતાના વિચારો અને જીવનને શક્ય એટલું શુદ્ધ રાખવાનો પ્રયત્ન કર્યો છે.ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાઇ પલ્લવી ખૂબ જ ભાવુક દેખાઈ હતી. તેણે પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે, “એક કલાકાર તરીકે આ પ્રકારની ભૂમિકા ભજવવી બિલકુલ સરળ નથી, કારણ કે પડદા પર એક દેવીનું પાત્ર જીવંત કરવાનું છે. મેં પોતે આ રોલ કરવાનું નક્કી નથી કર્યું, પરંતુ આ પાત્ર મારી પાસે આપોઆપ આવ્યું છે. આ શૂટિંગ દરમિયાન હું શાંતિથી બેસતી, ધ્યાન (મેડિટેશન) ધરતી અને મનોમન પ્રાર્થના કરતી કે- સીતા માતા, તમે જ મારા દ્વારા અભિનય કરો. મારા દ્વારા જે પણ કળા બહાર આવશે, તે એ જ હશે જે તમે આ ફિલ્મ માટે ઈચ્છો છો.”એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે, “મેં મારી જાતને જેટલી બને તેટલી પવિત્ર રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઓછામાં ઓછું મારા વિચારોના સ્તરે તો મેં તેને બિલકુલ પક્ષપાત વિનાનું અને નિષ્પક્ષ રાખવા પ્રયાસ કર્યો છે. હું આ ફિલ્મમાં મારું સર્વશ્રેષ્ઠ વર્ઝન દર્શકો સમક્ષ લાવી રહી છું અને આખી ટીમ તેને બેસ્ટ બનાવવા માટે પોતાનું લોહી-પરસેવો એક કરી રહી છે.”

