Mumbai,તા.20
બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેમને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે. હાલમાં જ તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. શ્રેયસનું કામ પણ ફિલ્મમાં બધાને ખૂબ ગમ્યું.આ ફિલ્મની શૂટિંગ દરમિયાન શ્રેયસ તલપડે સાથે એક મોટી દુર્ઘટના પણ ઘટી ગઈ હતી. ડિસેમ્બર 2023માં તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન તેમની તબિયત થોડી બગડવા લાગી હતી. તેમની પત્ની તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી, ત્યારે જ એક્ટર બેહોશ થઈ ગયા. ત્યારબાદ તેમને કોઈક રીતે હોશમાં લાવવામાં આવ્યા અને તેમની સર્જરી કરવામાં આવી.
તાજેતરમાં જ શ્રેયસ તલપડેએ આ આખી ઘટનાને ફરી એકવાર યાદ કરી છે. ખાનગી યુટ્યુબ ચેનલ પર એક્ટરે જણાવ્યું કે આ તેમનું બીજું જીવન છે, જે તેમને મળ્યું છે. આ દુર્ઘટના બાદ તેમણે પોતાના જીવનમાં ઘણા મોટા બદલાવ કર્યા છે. શ્રેયસ તલપડેએ કહ્યું- તે સમય મારા અને મારા પરિવાર માટે ઘણો મુશ્કેલ અને ચોંકાવનારો હતો.
ત્યારબાદ અમારું જીવન ઘણું બદલાઈ ગયું, પહેલા હું માત્ર કામને જ મહત્વ આપતો હતો. મારા માટે મારું કામ બહુ મહત્વનું હતું, હું કહેતો રહેતો હતો કે મારે કામ કરવું છે પણ પોતાના પરિવારને પણ ક્વોલિટી ટાઈમ આપવો છે. પરંતુ તે એક ક્ષણમાં બધું જ થઈ ગયું, તે 10 મિનિટમાં જ્યારે હું ટેકનિકલી મરી ચૂક્યો હતો. મારા હ્રદયના ધબકારા 10 મિનિટ માટે રોકાઈ ગયા હતા. તેમણે મને ફરીથી જીવતો કરવો પડ્યો. જે તમે ફિલ્મોમાં જુઓ છો, તેમણે મને CPR આપ્યું પછી ઇલેક્ટ્રિક શોક આપીને મારા ધબકારા પાછા લાવવામાં આવ્યા.’શ્રેયસ તલપડે જણાવે છે કે તેમને કાર્ડિયાક અરેસ્ટ તેમની ગાડીમાં આવ્યો હતો, તેમની પત્નીએ તે દરમિયાન તેમને સંભાળ્યા અને હોસ્પિટલ લઈને પહોંચી. જ્યારે તેમને અરેસ્ટ આવ્યો, ત્યારે તેઓ હોસ્પિટલની નજીક જ હતા. ત્યાં તેમનું તરત જ ઓપરેશન કરવામાં આવ્યું. શ્રેયસ તલપડેએ કહ્યું કે તે એક ક્ષણે તેમને એ અહેસાસ કરાવ્યો કે તેમનું કામ જ જીવનમાં બધું જ નથી. હવે તેઓ પોતાના પરિવારને વધુમાં વધુ સમય આપે છે.

