Israel,તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદ (નેસેટ)માં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ(પોલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કર્યો, વડાપ્રધાને કહ્યું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા.ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું.
જો ઐતિહાસિક ઘટના પર નજર કરીએ તો, હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ તેમની 500 મહિલાઓ અને લગભગ 200 બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું કે તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું.
500 પોલિશ મહિલાઓ અને 200 બાળકો ભરેલું જહાજ જયારે ઈરાન પહોંચ્યું તો ત્યાં આ લોકોને શરણ ન મળી. ત્યારબાદ ઘણા દેશ દ્વારા તેમની સાથે આવું જ વર્તન થયું. અંતે આ જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા હતા રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજી.તેમણે જામનગરથી 25 કિમી દૂર બાલાછડીમાં આ લોકોને શરણ આપી. તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. મહારાજાએ એટલું જ નહીં, પરંતુ મહારાજાએ નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી. તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.
આ ઉપરાંત આ બાળકોના ભણતર માટે રિયાસતની સૈનિક સ્કુલમાં તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી હતી. ભારતમાં આવેલા પોલેન્ડના બાળકોનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો.તેના અભ્યાસ પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમજ આ બાળકો પોલેન્ડની સંસ્કૃતિને ન ભૂલે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તે શરણાર્થીઓ રાજા દિગ્વિજય સિંહજીને તેમના બીજા પિતા માને છે અને પોલેન્ડમાં ધ ગુડ મહારાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.

