New Delhi,તા.19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે સાઉદી અરેબીયા બે દિવસના પ્રવાસે જશે. વડાપ્રધાનપદની ત્રીજી ટર્મમાં તેઓનો આ પ્રથમ સાઉદી પ્રવાસ હશે. આ પુર્વે તેઓએ 2016 તથા 2019માં બે વખત પ્રવાસ કર્યો હતો.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાનની આ મુલાકાતમાં સાઉદી અરેબીયા સાથે વેપાર-રોકાણ-ઉર્જા તથા સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવાની વાતચીત થઈ શકે છે. ભારત-મધ્યપુર્વ તથા યુરોપ કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેકટને ફરી હાથ ધરવા માટે મંત્રણા થવાની શકયતા છે.
22-23 એપ્રિલના આ બે દિવસના પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેદાહમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ બેઠક કરે તેવી શકયતા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મે ના મધ્યમાં સાઉદી અરેબિયાના પ્રવાસે જવાના છે તે પુર્વે જ મોદીની આ મુલાકાતને ઘણી સૂચક ગણવામાં આવે છે.
ઈરાનને અણુ કાર્યક્રમ પડતો મુકવાના દબાણ વચ્ચે ટ્રમ્પના સાઉદી અરેબિયાના પ્રવાસને પણ ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પ્રાદેશિક હાલત દહોળાયેલી છે અને દૂતીઓ રાતા સમુદ્રમાં દરિયાઈ હુમલા કરીને પરિવહન અવરોધી રહ્યા છે. આ ક્ષેત્રમાં સ્થિરતા મેળવવા માટે સાઉદી અરેબિયાને સાથે મળીને ભારત પ્રયત્ન કરી રહ્યું છે.