New Delhi,તા.૬
દેશના ઘણા રાજ્યોમાં પૂરના કારણે ભારે વિનાશ થયો છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. શુક્રવારે સત્તાવાર સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. ઉત્તર ભારતના ઘણા રાજ્યો ભારે વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ અને મિલકતોને ભારે નુકસાન થયું છે, તેમજ જાનહાનિ પણ થઈ છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી આમાંથી કેટલાક વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેટલીક રાજ્ય સરકારોએ કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય માંગી છે.
ગુરુવારે અગાઉ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબના અમૃતસર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમૃતસરમાં, તેમણે કહ્યું હતું કે પૂરથી ઊભી થયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બે કેન્દ્રીય ટીમો પણ પંજાબની મુલાકાત લઈ રહી છે અને તેઓ કેન્દ્રને રિપોર્ટ સુપરત કરશે. અમૃતસરમાં પત્રકારો સાથે વાત કરતા ચૌહાણે કહ્યું કે પંજાબીઓ હંમેશા દેશ અને માનવતાની સેવામાં મોખરે રહ્યા છે.
તેમણે કહ્યું, “પરંતુ આજે પૂરને કારણે પંજાબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ઘણા ગામડાઓ પ્રભાવિત થયા છે, જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ખેતરો ડૂબી ગયા છે.” તેમણે કહ્યું કે કેન્દ્ર આ મુશ્કેલ સમયમાં પંજાબના લોકો સાથે સંપૂર્ણપણે ઊભું છે. ચૌહાણે કહ્યું, “વડાપ્રધાન મને પંજાબ મોકલ્યો છે. અમે પરિસ્થિતિનો તાગ મેળવીશું અને લોકો સાથે વાત કરીશું.” પંજાબમાં પૂરથી અત્યાર સુધીમાં ૩૭ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩.૫૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરમાં ૧.૭૫ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકનો નાશ થયો છે.