Rajkot,તા.05
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરૂરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.
શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.-સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.03-12-2024 થી તા.24 સુધી સવારે 10 થી 1 દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે.
જે અંતર્ગત આજે તા.4ના રોજ વોર્ડ નં.2માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.2-અ, ગીત ગુર્જરી સોસા.,રામેશ્વર ચોક પાસે,ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે, રાજકોટ ખાતે કેમ્પ યોજાયો હતો.
આજના કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જી બી.ડી.જીવાણી, વોર્ડ ઓફિસર પરેશ ચાવડા, પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જીઓ મહાનગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીઓ, આરોગ્ય શાખાની ટીમ, સોલાર ફીટીંગ કરતી વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ અંદાજિત 116 નાગરિકો હાજર રહ્યા હતા.