Bhavnagar,તા.૧૫
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૬ જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનામાં ૮ની ધરપકડ કરવામાં આવી છે. ૮ સિનિયર ડોક્ટરોએ ૩ જૂનિયર ડોક્ટરોનું રેગિંગ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે બે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી હતી.
ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં આઠ સિનિયર મેડિકલનાં વિદ્યાર્થીઓએ કારમાં ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. પછી તેઓએ જુનિયર્સને શારીરિક અને માનસિક ત્રાસ આપી રેગિંગ કર્યુ હતું. સમગ્ર ઘટના બાદ, રેગિંગમાં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાવનગર મેડિકલ કોલેજમાં ત્રણ સ્નાતકના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યા બાદ, ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગમાં સંડોવાયેલા અન્ય ચાર મેડિકલ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી દ્વારા રેગિંગમાં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પૂરી થયના સર્ટિ ન આપવા અને તેમના સેકન્ડ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેનો અર્થ એ કે તેમને તેમની કોલેજમાં જમા કરાયેલા ડિગ્રી સર્ટિફિકેટ મળશે નહીં. એક અઠવાડિયા બાદ નીલમબાગ પોલીસે ૮ ઈસમોને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.