મૃતક કેટલાં વાગ્યે , કંઇ કાર નીકળ્યો, સહિતની માહિતી આપતાં આરોપીઓએ બનાવને અંજામ આપ્યો: આરોપીઓને આશરો આપનારની શોધખોળ
Harpalsinh Jadeja,Paddhari,તા.28
પડધરીના ખાખડાબેલામાં રહેતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) ની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. ગુનામાં મુખ્ય બે આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને ઝડપી લીધા બાદ મૃતકનું લોકેશન અને ગાડીના નંબરની બાતમી આપનાર પૃથ્વીસિંહ જાડેજાને ઝડપી લીધો છે. જેના એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે. વર્ષ 2024 માં નોંધાયેલા દુષ્કર્મ અને પોકસોના ગુનામાં સમાધાન ન કરતા બુધવારે રાત્રીના ખાખડાબેલા ગામ નજીક ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ જાડેજાને તેની કાર પાસે આંતરી ખાખડાબેલા ગામે જ રહેતા મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા સહિતનાએ છરીના આડેધડ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. પડકારરૂપ આ કેસમાં એસ.પી વિજયસિંહ ગુર્જરની સુચના અને એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ ચલાવી રાજસ્થાન બોર્ડરથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
બંને આરોપીને મૃતક કેટલા વાગ્યે રાજકોટ ઓફિસેથી નીકળે છે, તેનું લોકેશન અને ગાડીના નંબરની બાતમી પૃથ્વીસિંહ હર્ષદસિંહ જાડેજા (રહે. ખાખડાબેલા) એ આપી હોવાની કબૂલાત આપતાં પડધરી પોલીસે તેની પણ ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જ્યારે બંને મુખ્ય આરોપીઓ દુષ્કર્મ અને પોકસોના કેસમાં પણ વોન્ટેડ હતા અને હાલમાં મર્ડરના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી દુષ્કર્મ પોકસોના કેસમાં ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ પૃથ્વીસિંહ જાડેજા મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજાનો કાકાનો પુત્ર છે અને તે મહેન્દ્રસિંહના સતત સંપર્કમાં રહી મૃતક યુવરાજસિંહ અને બાતમી આપતો હોવાનું પણ સામે આવ્યું છે.

