California, તા.6
પોપ સ્ટાર બ્રિટની સ્પિયર્સ (44)ને કેલિફોર્નિયામાં ડ્રાઇવિંગ અંડર ઇન્ફ્લુઅન્સ (DUI)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 9ઃ30 વાગ્યે વેન્ચુરા કાઉન્ટીમાં બની, જ્યાં કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ (CHP) અધિકારીઓએ તેમની કારને અસામાન્ય અને ઉચ્ચ ગતિએ ચાલતી જોઈને રોકી હતી.
અધિકારીઓએ તેમને હાથકડી પહેરાવી અને અટકાયત કરી. તેઓને બુધવારે રાત્રે 9ઃ28 વાગ્યે રોકવામાં આવ્યા અને વહેલી સવારે 3ઃ02 વાગ્યે વેન્ચુરા કાઉન્ટી જેલમાં બુક કરવામાં આવ્યા. તેઓ ગુરુવારે સવારે 6 વાગ્યા પછી જામીન પર મુક્ત થયા. તેમની કારને ટોવ કરવામાં આવી હતી અને તેઓ એકલા હતા.
આરોપ અનુસાર, તેઓ આલ્કોહોલ અને ડ્રગ્સના સંયોજન હેઠળ વાહન ચલાવી રહ્યા હતા, જે કેલિફોર્નિયા વ્હીકલ કોડનું ઉલ્લંઘન છે. જેલ રેકોર્ડમાં તેમના વ્યવસાયને “સેલિબ્રિટી” તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમની કોર્ટ તારીખ 4 મે, 2026 નક્કી કરવામાં આવી છે.
બ્રિટનીના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ “અફસોસજનક અને અમાજીર્ની ઘટના” છે. તેઓ કાયદાનું પાલન કરશે અને આ મુશ્કેલ સમયમાં સપોર્ટ અને મદદ મેળવશે. કેટલાક અહેવાલોમાં એક કલાકથી વધુ લાંબી કાર ચેઝનો પણ ઉલ્લેખ છે, જેમાં ડ્રગ રેકગ્નિશન એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા.
આ ધરપકડ પછી બ્રિટનીએ તેમનું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ડિલીટ કરી દીધું છે. આ ઘટના તેમના અગાઉના માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષો અને 2021માં ક્નઝર્વેટરશિપ ખતમ થયા પછીના વર્ષોમાં વિવાદોના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.

