Porbandar,તા.28
પોરબંદરના પાંડાવદર ગામે પી.જી.વી.સી.એલ.ના જુનિયર આસિસ્ટન્ટ એવા મહિલા કર્મચારી અને અન્ય કર્મચારીઓ ગ્રામ પંચાયતના બિલની રીકવરી કરવા માટે ગયા હતા, જ્યાં નિયમ પ્રમાણે આ મહિલા કર્મચારી અને ટીમે કનેકશન કાપી નાખતા અચાનક ધસી આવેલા સરપંચ અને તેના બે સાગરિતોએ હોદ્દાની ગરિમાને નેવે મૂકીને મહિલાને વાળ પકડીને ઢસડી માર માર્યો હતો તથા અન્ય કર્મચારીને પણ માર મારતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
બગવદર પી.જી.વી.સી.એલ. સબડિવિઝનનાં જુનીયર આસીસ્ટન્ટ જાગૃતિબેન મનીષભાઇ મોઢા (44)એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે બિલની રીકવરી માટે જુનીયર આસીસ્ટન્ટ મનોજભાઇ કોડીયાતર, ઇલેકટ્રીક આસીસ્ટન્ટ જીત સુરેશભાઇ મોઢા તથા આઉટ સોર્સ ડ્રાઇવર લખમણભાઇ ઓડેદરા વગેરે પાંડાવદર ગામે ગયા હતા. પાંડાવદર ગ્રામ પંચાયતની સ્ટ્રીટલાઇટના બાકી પૈસા હોવાથી ટીમે ગ્રામપંચાયતનું સ્ટ્રીટલાઇટનું કનેકશન પોલથી ડીસકનેકટ કરી નાખ્યું હતુ. દરમ્યાન પાંડાવદર ગામનો સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તેની સાથે બે અજાણ્યા માણસો આવી પહોંચ્યો હતો અને કોઇપણ પ્રકારની વાત પૂછયા વગર જુનિયર આસીસ્ટન્ટ મનોજભાઇ કોડીયાતરને ત્રણ ઝાપટ ગાલ ઉપર મારી દીધી હતી અને ગાળો આપી હતી. ત્યારબાદ એ ત્રણે ઇસમો જાગૃતિબેન પાસે આવ્યા હતા અને તેમને વાળ પકડીને નીચે પછાડી દીધા હતા અને રોડ પર ઢસડીને ગાલ પર 3 ઝાપટ મારી હતી. એ દરમ્યાન સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા સાથે આવેલા બે અજાણ્યા માણસોએ એવું કહ્યુ હતુ કે, આ બંનેને કુવામાં ફેંકી દો તથા ધમકી આપી હતી કે બીજી વખત આ ગામમાં આવીશ તો મારી નાખશું. જાગૃતિબેનની આ ફરિયાદના આધારે ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત અજાણ્યા બે ઈસમો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.