New Delhi,તા.16
દેશમાં લાંબા સમયથી નવી ટોલ નીતિ પર થઈ રહેલી ચર્ચા અને તા.1 મે થી આ નીતિના અમલની તૈયારી વચ્ચે હવે નેશનલ હાઈવે અને એકસપ્રેસ હાઈવે માટે સરકારે ટોલમાં 50% જેવી રાહત અને રૂા.3000માં વાર્ષિક ટોલ- ફાસ્ટ ટેગ યોજના અમલમાં મુકવા તૈયારી કરી છે. આ વાર્ષિક પાસ દેશભરમાં અમલી હશે.
સરકાર હવે ફિકસ ટોલના બદલે વાહન જે ટોલ માર્ગ પર જેટલો પ્રવાસ કરે તેટલો ટોલ વસુલવા માટે આગળ વધી રહી છે. જે મુજબ કાર માલીકે પ્રતિ 100 કિમીમાં રૂા.50નો ટોલ ચુકવવો પડશે. હાલ પણ ફકત માસીક પાસ ઈસ્યુ થાય છે અને નવી પોલીસીમાં વર્ષે રૂા.3000 ભરીને અમર્યાદીત કિલોમીટર દેશભરમાં મુસાફરી કરી શકાશે.
જે એકસપ્રેસ અને અન્ય હાઈવે પર લાગુ રહેશે. આ સંદર્ભમાં જો ટોલના ઈજારેદારને કોઈ નુકશાન થાય તો તે કેન્દ્ર સરકાર ભરપાઈ કરી આપવાની ખાતરી આપશે.
આ માટે વાહનોના જે તે માર્ગ પર પસાર થવાના ડિજીટલ રેકોર્ડ રાખવામાં આવશે અને દાવા તથા ખરેખર રિકવરીનો જો કોઈ નેગેટીવ તફાવત હશે તો તે કેન્દ્ર ચુકવશે. આથી હવે ટોલ નાકા પર બેરીયર ફી રૂટ હશે.
જયાં આ વાર્ષિક પાસ ધારક પસાર થઈ શકશે તો કોઈ વાહન ટોલ પાસ વગર પસાર થાય તો તેનો પણ અલગ રેકોર્ડ હશે. જે વાહનના રજીસ્ટ્રેશન નંબર પરથી તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે તથા બોગસ ફાસ્ટટેગ પણ ઓળખાઈ જાય તે સીસ્ટમ અમલી બનશે. આ ઉપરાંત સેટેલાઈટ આધારિત વાહન નંબર પ્લેટ- ઓળખ કરીને તેનો ટોલ ઓટોમેટીક કપાઈ જાય તે નિશ્ચિત કરાશે.