રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારત – અમેરિકા વચ્ચે અટકેલી ટ્રેડ ડીલ ફરી શરૂ થવાની સંભાવનાઓ, ટ્રમ્પ સરકાર દ્વારા વધારાના ટેરિફ પાછા ખેંચવાની ધારણાઓ, યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા અને સ્થાનિક સ્તરે જીએસટી ઘટાડાના અમલ જેવા પરિબળોએ સેન્ટીમેન્ટને તેજીમય બનાવ્યું હતું.
વિદેશી ફંડોના મજબૂત પ્રવાહ અને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા શેરબજારમાં તેજી લાવતી જોવા મળી હતી, જેના કારણે સપ્તાહના મોટા ભાગના દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતું. જો કે, સપ્તાહના અંતે વૈશ્વિક મોરચે નકારાત્મક પરિબળો હાવી રહ્યા હતા. ટ્રમ્પ દ્વારા ટેરિફ હથિયારનો સતત ઉપયોગ, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવા માટે યુરોપીયન યુનિયનને કરેલી હાકલ, યુક્રેન – રશિયા યુદ્ધ, ઈઝરાયેલ – હમાસ સંઘર્ષ તથા નેપાળ અને ફ્રાંસમાં ઉભી થયેલી આંતરિક અશાંતિ જેવા પરિબળોએ વૈશ્વિક સેન્ટીમેન્ટના કારણે ભારતીય શેરબજાર પણ દબાણ આવતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે અપેક્ષા મુજબ વ્યાજ દરમાં ૦.૨૫%નો ઘટાડો કરતા વૈશ્વિક ફન્ડો ડોલરમાંથી હળવા થઈ રહ્યા હોવાને પરિણામે ડોલર ઈન્ડેકસ બે મહિનાની નીચી સપાટીએ આવતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલાને પગલે મધ્ય પૂર્વમાં અશાંતિ વધવાના એંધાણ અને રશિયા સામે વધુ પ્રતિબંધ આવવાના સંકેતોએ ક્રુડઓઈલમાં સુધારો જળવાઈ રહ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાના દરમાં સાધારણ વધારો નોંધાયો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ફુગાવો ૨.૦૭% રહ્યો હતો, જે જુલાઈ માસમાં ૧.૬૧% અને ગત વર્ષે ઓગસ્ટમાં ૩.૬૫% રહ્યો હતો. નવેમ્બર ૨૦૨૪થી સતત નવ મહિના સુધી ઘટતો રહ્યો હતો તેવા ફુગાવાના દરમાં હવે વધારો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના ડેટા દર્શાવે છે કે ખાદ્યચીજોમાં ફુગાવો ઓગસ્ટમાં માઈનસ ૦.૬૯% રહ્યો હતો, જે જુલાઈમાં માઈનસ ૧.૭૬% હતો. શાકભાજી, ઓઈલ-ફેટ અને પર્સનલ કેર જેવી ચીજોના ભાવ વધવાના કારણે ખાદ્ય ફુગાવો વધ્યો છે. અનાજના ભાવમાં ફુગાવો ૨.૭% રહ્યો હતો, જે છેલ્લા ૪૪ મહિનામાં સૌથી ઓછો છે. જુલાઈમાં તે ૩.૧% હતો.
ખાસ કરીને ઓઈલ સેગમેન્ટમાં સૌથી વધારે ફુગાવો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં ઓઈલમાં ફુગાવો ૨૧.૨% રહ્યો હતો, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચો છે. વિસ્તારો પ્રમાણે જોવામાં આવે તો ગ્રામિણ વિસ્તારોમાં રિટેલ ફુગાવો ઓગસ્ટમાં વધીને ૧.૬૯% રહ્યો હતો, જ્યારે જુલાઈમાં તે ૧.૧૮% હતો. શહેરી વિસ્તારોમાં આ દર ૨.૪૭% નોંધાયો હતો, જે જુલાઈમાં ૨.૧% હતો. રાજ્યોમાં કેરળમાં સૌથી વધારે ૯.૦૪% અને આસામમાં સૌથી ઓછો માઈનસ ૦.૬૬% ફુગાવો નોંધાયો છે.
ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ મુજબ ફૂડ-બેવરેજ સેગમેન્ટ ફુગાવાનો મુખ્ય પરિબળ રહ્યું છે. કોર ઈન્ફ્લેશન પણ સાધારણ વધીને ૪.૩% થયું છે, જે જુલાઈમાં ૪.૨% હતું. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં આ નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ રિટેલ ફુગાવો ૨.૬% આસપાસ રહેશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં આ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી શકે છે. વર્તમાન પરિસ્થિતિ જોતા મોનેટરી પોલિસી કમિટી ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં રેપો રેટ યથાવત રાખવાની સંભાવના જોવાઈ રહી છે.
મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૯૮,૮૨૮.૫૫ કરોડની ખરીદી તેમજ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૩૬,૨૧૯.૪૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૬,૯૦૨.૯૨ કરોડની વેચવાલી તેમજ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૦૯૬૨.૩૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ યથાવત જોવા મળી શકે છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ ડોલર ઈન્ડેક્સ પર દબાણ આવી શકે છે, જેના કારણે વિદેશી રોકાણકારો માટે ભારત જેવા ઉદભવતા બજારો વધુ આકર્ષક બનશે. વધતા ફોરેન ફંડ ફ્લો અને મજબૂત સ્થાનિક માંગ બેન્કિંગ, રિયલ એસ્ટેટ, ઓટો, એફએમસીજી અને મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે. સાથે સાથે જો ક્રૂડતેલના ભાવ ૬૦ ડોલરથી નીચે આવે તો કરન્સી પરનો દબાણ ઘટશે, મોંઘવારી નિયંત્રણમાં રહેશે અને રિઝર્વ બેન્ક વ્યાજદર નીતિમાં વધુ લવચીકતા અપનાવી શકે છે. આ પરિસ્થિતિ બેન્કિંગ, ઓટો, એવિએશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરને મજબૂત ટેકો આપશે.
જો કે, વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ ટેન્સન, ઓપેકના ઉત્પાદન ઘટાડાના સંકેતો અને અમેરિકા-ચીન-રશિયા વચ્ચેની ખેંચતાણ જેવી પરિસ્થિતિઓ બજારમાં ટૂંકાગાળાની અસ્થિરતા ઊભી કરી શકે છે. ખાસ કરીને ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ અને પાવર જેવા સેક્ટર ઉપર તેની સીધી અસર પડી શકે છે. તેમ છતાં, સ્થાનિક ફંડોના મજબૂત સપોર્ટ અને ટ્રમ્પ દ્વારા ભારત સાથે ટ્રેડ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી બજાર માટે પોઝિટિવ સિગ્નલ છે. એટલે કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂ–ખ યથાવત રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)બજાજ ફિનસર્વ (૨૦૭૩) : હોલ્ડીંગ કંપની સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૯૭ થી રૂ.૨૧૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૦૭) : A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ઓરબિન્દો ફાર્મા (૧૧૨૪) : રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યિુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) ગોદરેજ પ્રોપર્ટીઝ (૨૧૪૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રેસ્ડિેન્શિયલ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૨૧૦૮ થી રૂ.૨૦૯૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) ઓબેરોય રિયલ્ટી (૧૬૭૦) : રૂ.૧૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૨૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (૧૦૪૭) : આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) KIOCL લિ. (૩૨૩) : A/T+1ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૮ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૪૦૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)રેલટેલ કોર્પોરેશન (૩૮૮) : રૂ.૩૭૬ નો પ્રથમ તેમજ રૂ.૩૭૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)જીઈ પાવર (૩૪૪) : હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપ્મેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૫૭ થી રૂ.૩૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૩૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) પેટ્રોનેટ એલએનજી (૨૭૦) : રૂ.૨૬૩ નો પ્રથમ તેમજ રૂ.૨૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી એલપીજી / સીએનજી / પીએનજી / એલએનજી સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૪ થી ૨૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)ડી બી કોર્પ (૨૬૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૫૫ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૭૮ થી રૂ.૨૮૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ગેઈલ (ઈન્ડિયા) લિ. (૧૭૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)બંધન બેન્ક (૧૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩ આસપાસ રોકાણકારે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SJVN લિ. (૮૮) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) IDBI બેન્ક (૮૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્રાઇવેટ બેન્ક સેક્ટરનાં આ સ્ટોકને ૭૬ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૩ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) IFCI લિ. (૫૬) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૨ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૬૩ થી રૂ.૬૭ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) NMDC (૪૦) : રૂ.૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૮ થી રૂ.૫૫ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલોએ બજારને સંભાળ્યું, વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં સ્થિરતા…!!
ભારતીય શેરબજાર છેલ્લા એકાદ વર્ષથી સતત વિદેશી રોકાણકારોના વેચાણ દબાણનો સામનો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના વિશ્વાસને કારણે બજાર સ્થિર રહ્યું છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે જો છેલ્લા બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રોકાણકારોનો મજબૂત પ્રવાહ ન આવ્યો હોત તો શેરબજારમાં ૨૦ થી ૩૦%નો મોટો કડાકો આવ્યો હોત.
વુડના જણાવ્યા અનુસાર, IEAએ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સતત ૨૫ મહિના સુધી બજારમાં પોતાનું રોકાણ વધાર્યું છે. માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે ૩૭.૬ અબજ ડોલરનો રેકોર્ડ ઈન્ફલો થયો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં નેટ ૧.૫ અબજ ડોલરનું વેચાણ કર્યું છે અને માત્ર જુલાઈ-ઓગસ્ટમાં જ ૬ અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો છે.
હાલ વિદેશી રોકાણકારો ભારતથી દૂર થઈને કોરિયા અને તાઇવાન જેવા બજારો તરફ વળી રહ્યા છે. પરંતુ વુડનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદનો ઉકેલ આવતાની સાથે જ બજારમાં વ્યૂહાત્મક તેજી જોવા મળશે. જો વિવાદ લાંબો ખેંચાય તો પણ, વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારો ફરીથી ભારતમાં રોકાણ પરત લાવશે અને નેટ ખરીદદારો બનશે. વુડ આગામી વર્ષ માટે પોઝિટિવ અભિગમ ધરાવે છે. તેમનું માનવું છે કે ૨૦૨૬માં ભારતનો નોમિનલ જીડીપી વૃદ્ધિદર ઊંચો રહેશે, જે કોર્પોરેટ કમાણી અને ઈપીએસ વૃદ્ધિ માટે ફાયદાકારક બનશે. સાથે જ સરકારના તાજેતરના ટેક્સ ઘટાડા, જીએસટી સુધારા અને આવકવેરામાં રાહત અર્થતંત્રને નવી ગતિ આપશે અને તેનો સીધો લાભ શેરબજારને મળશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલો અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ બજારની કરોડરજ્જુ છે અને આવનારા સમયમાં પણ તે જાળવાયેલો રહેશે.
ઓઈલ – ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે, ઈંઊઅની ચેતવણીથી ભારત ચિંતિત…!!
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ એક ચોંકાવનારો અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે વિશ્વના ઓઈલ અને ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે. એજન્સીએ વિશ્વના ૧૫૦૦૦ થી વધુ ઓઈલ-ગેસ ક્ષેત્રોના ડેટાનો અભ્યાસ કરીને ચેતવણી આપી છે કે જો નવા રોકાણ નહીં થાય તો આગામી સમયમાં ઉત્પાદન સતત ઘટતું જશે.
રિપોર્ટ મુજબ, ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં દર વર્ષે થતા કુલ રોકાણનો ૯૦% હિસ્સો માત્ર હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને અટકાવવા માટે જ વપરાઈ રહ્યો છે. જો નવું શોધખોળ અને રોકાણ ન થાય તો દર વર્ષે તેલનું ઉત્પાદન ૫૫ લાખ બેરલ પ્રતિ દિવસ અને ગેસનું ઉત્પાદન ૨૭૦ અબજ ઘન મીટર ઓછું થઈ શકે છે.ભારત માટે આ ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઈલ અને ૪૫% ગેસ આયાત કરે છે. વૈશ્વિક ભંડારમાં આવી ઘટતા પુરવઠાને કારણે ભારતમાં ઊર્જાની કિંમતો વધી શકે છે અને પુરવઠાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને શેલ અને ઊંડા સમુદ્રી સ્ત્રોતોમાં ઝડપથી કમી થવાથી જોખમ વધી રહ્યું છે.
IEAએ ભારતને સલાહ આપી છે કે તે કોઈ એક દેશ પર વધુ નિર્ભર ન રહે અને દેશના અંદરના ઓઈલ -ગેસ સંશોધનને પ્રોત્સાહન આપે. સાથે જ ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ જેવા વિકલ્પ ઊર્જા સ્ત્રોતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એજન્સીનો અંદાજ છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ૨૦૩૦-૨૦૪૦ના દાયકામાં ઓઈલ-ગેસના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે, જે ઊર્જા સુરક્ષા અને ભાવોમાં મોટો કડાકો લાવી શકે છે.
રિટેલ રોકાણકારો દ્વારા સીધા ઇક્વિટી રોકાણમાં ૯૦%નો ઘટાડો,મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળતો પ્રવાહ…!!
ભારતીય શેરબજારમાં વધી રહેલી ઉથલપાથલ વચ્ચે રિટેલ રોકાણકારોના સીધા ઇક્વિટી રોકાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી રિટેલ રોકાણકારો તરફથી ચોખ્ખો પ્રવાહ માત્ર રૂ.૧૩,૨૭૩ કરોડ રહ્યો છે, જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે આ આંકડો રૂ.૧.૧ લાખ કરોડ હતો. આ રીતે એક વર્ષમાં લગભગ ૯૦%નો ઘટાડો થયો છે. માર્ચ ૨૦૨૫માં રિટેલ રોકાણકારોએ રૂ.૧૪,૩૨૫ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જે ૨૦૧૬ પછીનો તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો હતો. છેલ્લા ૯ મહિનામાંથી ૫ મહિનામાં તેઓ ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. જો કે, જુલાઈ અને ઓગસ્ટમાં થોડો ખરીદીનો ઝોક દેખાયો હતો, પણ સપ્ટેમ્બરમાં ફરી એકવાર તેઓ વેચાણ તરફ વળ્યા છે.બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં મજબૂત પ્રવાહ લાવી રહ્યા છે. ખાસ કરીને એસઆઈપી, વીમા પ્રીમિયમ અને નિવૃત્તિ યોજનાઓ દ્વારા એકત્ર થતું ભંડોળ સીધા રોકાણમાંથી ખસી રહેલા નાના રોકાણકારોના મૂડીનું સ્થાન લઈ રહ્યું છે. નિષ્ણાંતોના મતે, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધુ પડકારજનક બનતા, રિટેલ રોકાણકારો પરંપરાગત ખરીદો અને પકડી રાખો વ્યૂહરચના છોડીને ઔપચારિક રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. ઘણા રોકાણકારોને ગયા વર્ષની તેજી દરમિયાન થીમેટિક શેરોમાં ભારે નુકસાન થયું હતું, જેનાથી તેમની રોકાણની દિશા બદલાઈ રહી છે.
SME શેરોમાં નવા લિસ્ટિંગ્સ છતાં ટ્રેડિંગ ધીમું…!!
નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઆઈ) માટે નવા લિસ્ટિંગ્સ બજારમાં સતત આવી રહ્યા છે, છતાંયે આ શેરોમાં ટ્રેડિંગની ગતિશીલતા જેટલી અપેક્ષિત હતી એટલી જોવા મળી નથી. આ ટ્રેન્ડનો અંદાજ સોદાની સરેરાશ સંખ્યા, ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યા, ટ્રેડેડ શેરનું પ્રમાણ અને સોદાના કુલ મૂલ્ય પરથી લગાવી શકાય છે.
જોકે ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, પરંતુ સોદાઓની સંખ્યા, ટ્રેડેડ શેર અને તેમનું મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં બીએસઈ એસએમઆઈ પ્લેટફોર્મ પર સોદાની સંખ્યામાં વાર્ષિક ધોરણે ફક્ત ૬.૪% નો વધારો થયો, જ્યારે ગયા વર્ષે આ વૃદ્ધિ ૧૩.૨% હતી. તે જ સમયે, ટ્રેડેડ શેરના સરેરાશ મૂલ્યમાં ૧૦.૪% નો ઘટાડો થયો અને ટ્રેડેડ શેરની સંખ્યામાં ૨૫%થી વધુનો ઘટાડો નોંધાયો. એનએસઈના જુલાઈ મહિનાના ડેટા પણ આ જ પ્રકારની સ્થિતિ દર્શાવે છે.
ઓગસ્ટ ૨૦૨૪ પછીથી અત્યાર સુધી એસએમઆઈ પ્લેટફોર્મ પર ૨૦૧ કંપનીઓ લિસ્ટ થઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ સરેરાશ દૈનિક વોલ્યુમ જુલાઈના અંત સુધીમાં વાર્ષિક ધોરણે ૪૬.૯% ઘટ્યો છે, જ્યારે મુખ્ય પ્લેટફોર્મ પર આ ઘટાડો ૩૨.૨% રહ્યો હતો. હજુ વધુ સત્તાવાર ડેટા બહાર આવવાનો બાકી છે.
બીએસઈના આંકડા મુજબ, ૨૦૧૨માં એસએમઆઈ પ્લેટફોર્મની શરૂઆતથી લઈને અત્યાર સુધી ૬૦૮ કંપનીઓએ કુલ રૂ.૧૦,૯૧૨.૧૫ કરોડ એકત્ર કર્યા છે, જેમાંથી ૧૯૬ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર થઈ ગઈ છે. એનએસઈના પ્લેટફોર્મ પર જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૬૪૭ લિસ્ટેડ કંપનીઓએ રૂ.૧૮૬૯૭ કરોડ એકત્ર કર્યા હતા અને તેમાંની ૧૪૭ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ છે. એનએસઈ પર લિસ્ટેડ એસએમઆઈનું કુલ માર્કેટ કેપ જુલાઈના અંત સુધી રૂ.૨.૨ લાખ કરોડ રહ્યું હતું.