Venezuela,તા.08
ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા અને પ્રમુખની ધરપકડ બાદ હવે અમેરિકા અને વિશ્વની નજર વેનેઝુએલાના ઓઈલ ભંડારો અને આ રિઝર્વમાંથી કરોડો ડોલરની કમાણી પર મંડાયેલી છે. જોકે રસપ્રદ વાત એ છે કે વેનેઝુએલાના તાજેતરના ઘટનાક્રમમાં વૈશ્વિક નાણાકીય બજારો ફક્ત દેશના વિશાળ ઓઈલ ભંડાર (આશરે 303 અબજ બેરલ) પર ધ્યાન જ કેન્દ્રિત કરી રહ્યા નથી, પરંતુ સંભવિત બિટકોઇન હોલ્ડિંગ અંગે પણ ચર્ચાઓ તીવ્ર બની છે. કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે વેનેઝુએલામાં માદુરો સરકાર પાસે મોટી માત્રામાં બિટકોઇન હોઈ શકે છે, જેની કિંમત આશરે 60 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે રૂ. 5.40 લાખ કરોડ સુધી હોવાનો અંદાજ છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો વેનેઝુએલાના આ કથિત બિટકોઇન જપ્ત કરવામાં આવે અથવા બજારમાં વેચવામાં આવે, તો વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી અને નાણાકીય બજારોમાં ભારે હલચલ મચી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. લેટિન અમેરિકન ક્રિપ્ટો ફર્મ ‘ઓરાન્જેબીટીસી’ના સીઈઓ ગુઈ ગોમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકન પ્રતિબંધોને કારણે વેનેઝુએલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમથી કપાયેલું છે. આથી, માદુરો સરકારે પોતાની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે સોનું અને ડોલરની સાથે બિટકોઇન જેવી વૈકલ્પિક સંપત્તિઓનો આશરો લીધો હોય તેવી પ્રબળ શક્યતા છે.
બિટકોઇન બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરતું હોવાથી તેના વ્યવહારો પારદર્શક તો છે, પરંતુ માલિકની ઓળખ ગુપ્ત રહે છે. આ જ કારણ છે કે સરકાર કે કોઈ વ્યક્તિ પાસે કેટલા બિટકોઇન છે અને તે ક્યાં છુપાવેલા છે, તે શોધવું અત્યંત જટિલ કાર્ય છે. રિપોર્ટ્સ અનુસાર વેનેઝુએલા પાસે 60 અબજ ડોલરના બિટકોઇન હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ બ્લોકચેન એક્સપર્ટ્સ આ આંકડાને લઈને હજુ સાવધ છે. ગોમ્સના મતે, જો આ ડિજિટલ ખજાનો અસ્તિત્વમાં હોય, તો તે કોઈ એક જગ્યાએ નહીં પરંતુ હજારો અલગ-અલગ વોલેટ્સમાં વહેંચાયેલો હશે, જેનું સંચાલન પ્રભાવશાળી રાજકીય નેતાઓ અથવા લશ્કરી અધિકારીઓ કરતા હોઈ શકે છે. આ વિખરાયેલી વ્યવસ્થાને કારણે તેને ટ્રેક કરવું અમેરિકી એજન્સીઓ માટે પણ મોટો પડકાર છે.ક્રિપ્ટોકરન્સી સાથે વેનેઝુએલાની સંડોવણી કોઈ નવી વાત નથી. 2018માં સરકારે ‘પેટ્રો’ નામનું સરકારી ટોકન શરૂ કર્યું હતુ, જે પાછળથી નિષ્ફળ ગયું અને 2024માં બંધ કરી દેવામાં આવ્યું. વધુમાં, સરકારે સમયાંતરે બિટકોઈન માઇનિંગ પર કડક કાર્યવાહી કરી છે, જેમાં ક્રિપ્ટો માઈનર્સની ધરપકડ કરવી, તેમની સંપત્તિ જપ્ત કરવી અને અંતે પ્રતિબંધ લાદવા.નિષ્ણાતો કહે છે કે જો વેનેઝુએલા સાથે જોડાયેલા બિટકોઇન અમેરિકન એજન્સીઓના હાથમાં આવી જાય, તો તે જપ્ત થઈ શકે છે અને અમેરિકન ટ્રેઝરીમાં જઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તેનો અમુક ભાગ એક્સચેન્જ પર વેચાઈ શકે છે. સ્વાભાવિક છે કે જો બિટકોઇનનો મોટો જથ્થો બજારમાં આવે તો કિંમતો પર દબાણ લાવી શકે છે.

