Kolkata,તા.17
ચેતેશ્વર પૂજારાને ધીરજની મૂર્તિ કહેવામાં આવે છે, કારણ કે તેની રમવાની શૈલી જ આ પ્રકારની રહી છે. જોકે, ક્રિકેટરથી કોમેન્ટેટર બન્યા બાદ તેની ધીરજ એ સમયે ખૂટી ગઈ જ્યારે ભારતીય ટીમને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ 124 રનનો ટારગેટ ચેઝ કરતા માત્ર 93 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ. આ હાર અંગે ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, આ હાર પચે એવી નથી અને અસ્વીકાર્ય છે.
જોકે, આ કોઈ રહસ્ય નથી કે, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ પછી ટીમ ફેરફારના સમયમાંથી પસાર થઈ રહી છે, પરંતુ 37 વર્ષીય પૂજારાએ આ ધારણાને નબળી ગણાવતા કહ્યું કે, ‘ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું ભારતે ઘરઆંગણે તો મેચ ન જ હારવી જોઈએ. હું આ સાથે સહમત નથી. ફેરફારોને કારણે ભારતીય ટીમ ભારતમાં હારે તે અસ્વીકાર્ય છે.’
પૂજારાએ આગળ કહ્યું કે, ‘ભારત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્જિશન ફેઝના કારણે હારી ગયું, જે હજુ પણ સ્વીકાર્ય છે, પરંતુ ભારત પાસે જે પ્રતિભા અને ક્ષમતા છે, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલના ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ જુઓ. આ ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ હોવા છતાં, જો આપણે ભારતમાં હારી જઈએ તો તેનો અર્થ એ કે કંઈક તો ગરબડ છે.’ જોકે, પૂજારાએ કહ્યું કે, ‘ભારતની ટર્નિંગ પિચો પર વધુ પડતી નિર્ભરતાને કારણે તેમને કોલકાતા મેચમાં હારનો સામનો કરવો પડ્યો.’
લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટર રમી ચૂકેલા પૂજારાએ સમજાવ્યું કે, ‘જો મેચ સારી વિકેટ પર રમાઈ હોત, તો ભારત પાસે જીતવાની શક્યતા વધુ હોત. તમે ટેસ્ટ મેચોને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? કઈ વિકેટ પર તમારી જીતની ટકાવારી વધારે હશે? આવી વિકેટો પર તે ટકાવારી ઘટી જાય છે અને વિરોધી ટીમ તમારા બરાબર થઈ જાય છે. આ હારથી એ ઘા પણ તાજા થઈ જે ગત વર્ષે આ જ દિવસોમાં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી આપેલી હાર બાદ મળ્યા હતા.

