New Delhi,તા.18
મતદાર યાદીમાં ગેરરીતિને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે, કોંગ્રેસ આ મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઇ છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી રાજ્ય બિહારમાં વોટર અધિકાર યાત્રા કાઢવા જઇ રહ્યું છે. એવામાં ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરંસ કરી હતી અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે જે પણ આરોપો લગાવાયા છે તે નિરાધાર છે, જો તેમની (રાહુલ) પાસે પુરાવા હોય તો ૭ દિવસમાં સોગંદનામા સાથે રજુ કરે નહીં તો પુરા દેશની માફી માગે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે કેટલાક પક્ષો અને તેમના નેતાઓ બિહાર એસઇઆર અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જો આ સમગ્ર પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની ભૂલ કે ખામી હોય તો તેને લઇને ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. મતદારો કે ચૂંટણી પંચ ડબલ મત કે વોટ ચોરીના પાયા વિહોણા આરોપોથી ડરતો નથી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લે છે, આટલી પારદર્શીતાથી ચૂંટણી યોજવામાં આવે છે શું ખરેખર મતચોરી શક્ય છે? વોટચોરી સહિતના જે પણ આરોપો લગાવાઇ રહ્યા છે તેના પુરાવા સાત દિવસમાં રજુ કરવામાં આવે નહીં તો આ તમામ દાવાને અયોગ્ય જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વારંવાર દાવો કરતા આવ્યા છે કે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચ ચૂંટણીને ઝૂંટવી લેવા માગે છે. ઇન્ડિયા ગઠબંધન આ કાવતરુ સફળ નહીં થવા દે. આ આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે પણ રાહુલ ગાંધીના દાવા પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું છે કે વોટચોરી શબ્દ પ્રયોગ જ ખોટો છે, ચૂંટણી પંચ માટે તમામ પક્ષો એક સમાન છે. રાહુલ ગાંધી પોતાના દાવાઓના પુરાવાને સાત દિવસની અંદર સોગંદનામા સાથે રજુ કરે નહીં તો દેશ સમક્ષ માફી માગે. અમે તાજેતરમાં જોયુ કે કેટલાક મતદારોની તસવીર જાહેરમાં ઉપયોગ કરાઇ, તેમના પર જુઠા આરોપો લગાવવામાં આવ્યા, ચૂંટણી પંચના ખભે બંદુક રાખીને રાજકારણ કરાઇ રહ્યું છે. કેટલાક પક્ષો મતદાન પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ માગી રહ્યા છે શું ચૂંટણી પંચે કોઇની માતા, પુત્રી, બહેન વગેરેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઇએ? મતદારોને ડબલ વોટર કહીને તેમને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે આ બધુ જોઇને ચૂંટણી પંચ શાંત નહીં રહે, આરોપોને સાબિત કરવા માટે સોગંદનામા સાથે પુરાવા રજુ કરો નહીં તો માફી માગો.