RAJKOT, તા.26
તાજેતરમાં જ ફરી એકવાર રાજકોટ જિલ્લા કલેક્ટરે જિલ્લાના મામલતદારોને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ઉપર ખડકાય ગયેલા દબાણો તાત્કાલીક દૂર કરવા માટે સૂચના આપી હતી.
આ સૂચનાને પગલે આજરોજ પૂર્વ મામલતદાર (રાજકોટ)એ કલેક્ટર પ્રભવ જોષીની સુચનાને પગલે રેલનગર સરવૈયા ચોક વિસ્તારમાં આવેલી રૂા.7.50 કરોડની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા પાંચ જેટલા કોમર્શિયલ પ્રકારના પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દઇ કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી દીધી હતી.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રેલનગર સરવૈયા ચોકમાં રાજકોટ શહેર પૂર્વ વિસ્તારના રેવન્યુ સર્વે નં. 609 પૈકી ટીપી સ્કીમ નં.23ના એફ.પી. નં. 34/2 પર આવેલ સરકારી જમીન ચો.મી. 1500 ઉપર આવેલ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવેલ છે. જે જમીનની અંદાજે બજાર કિંમત રૂા.7.5 કરોડ જેવી થાય છે.
આ જમીન ઉપર તલાટી ગ્રુપ 11 ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા ગત તા.16ના રોજ બાંધકામ દૂર કરવાની નોટીસ આપવામાં આવેલ હતી.
દબાણ કર્તા દ્વારા બાંધકામ દૂર ન કરતા તા.26ના રોજ મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ગ્રુપ-11 ધારાબેન વ્યાસએ પ્ર.નગર પીએસઆઇ જાનકીબા જાડેજાની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવેલ હતું.
આ સરકારી જમીન ઉપરથી ખેતલાઆપા ટી સ્ટોલ, ખેતલાઆપા પાન સેન્ટરનું પાકી દુકાન અને ચા માટે પાકુ બાંધકામ તેમજ બાલાજી સીઝન સ્ટોર નામે ચાલતો ટેમ્પરરી સ્ટ્રક્ચરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.