Rajkot,તા.09
વેરાવળથી રાજકોટ અને જૂનાગઢ જતા કુલ ૧૧ મુસાફરોને ડુપ્લીકેટ ટિકિટ આપી નાણાંની ઉચાપત કરનાર કંડક્ટર સામે વંથલી એસટી ડેપોના અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મોરબી ડેપોના કંડક્ટરે પોતાના મોબાઈલમાં રહેલા કેમ સ્કેનરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ ટિકિટો જનરેટ કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ડીવીઝનના મોરબી ડેપોના કંડક્ટર પાર્થભાઈ જશવંતરાય મોદી(બેઝ નં.૩૬૦)એ ગત તા.૬ના એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડટી-૦૭૧૭માં પોતાની ફરજ દરમ્યાન વેરાવળથી રાજકોટ જનાર ચાર મુસાફરોને ડુપ્લીકેટ નંબરવાળી ચાર ટિકીટ તેમજ જૂનાગઢ જનાર સાત મુસાફરોને અલગ-અલગ સાત ડુપ્લીકેટ ટિકીટ મળી કુલ ૧૧ ટિકીટ આપી હતી.
કંડક્ટરે પ્રથમ એક ઓરિજનલ ટિકીટ કાઢી તે ટિકીટ તેના મોબાઈલમાં રહેલા કેમ સ્કેનરથી સ્કેન કરી તેની ઈમેજને તેની પાસે રહેલા થર્મલ રિસીપ્ટ પ્રિન્ટરને મોબાઈલના બ્લુટુથથી કનેક્ટ કરી ડુપ્લીકેટ ટિકીટોની પ્રિન્ટો મેળવી હતી. ત્યારબાદ આ ડુપ્લીકેટ ટિકીટો મુસાફરોને ઈશ્યુ કરી હતી. એસટી બસ વંથલી બસ સ્ટેશન ખાતે આવેલી ત્યારે અધિકારી હિરાભાઈ નેભાભાઈ ખાંભલાએ મુસાફરોની ટિકીટની તપાસણી કરતા ડુપ્લીકેટ ટિકીટો જોવા મળતા ચોંકી ઉઠયા હતા અને તપાસમાં કંડક્ટરની બદચાલાકી સામે આવી હતી. આ બનાવમાં પેસેન્જર ટિકીટથી થતી કાયદેસરની આવકમાંથી રૃા.ર૦૩૦ની ઉચાપત કરવા અને ડુપ્લીકેટ ટિકીટો જનરેટ કરી એસટી નિગમ સાથે છેતરપિંડી કરવા અંગે કંડક્ટર પાર્થભાઈ મોદી વિરૃધ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પીએસઆઈ આર.વી. આહિરે આગળની વધુ તપાસ હાથ ધરી છે.