Rajkot, તા.26
રાજકોટમાં કાલાવડ રોડ જૈન સંઘમાં બિરાજમાન જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ. શ્રી જયશેખરસૂરિશ્વરજી મ.એ તાજેતરમાં ‘સાંજ સમાચાર’ પરિવારના નિવાસસ્થાને પાવન પધરામણી કરી, પગલા કર્યા હતા અને ગોચરી વાપરી હતી.
પૂજ્ય ગુરૂદેવ જયશેખરસુરી મહારાજ સાહેબે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20 થી વધુ જિનાલયોનું નિર્માણકાર્ય માટે પ્રેરણા આપી છે અને તેમની નિશ્રામાં થયા છે.
પૂ. ગુરૂદેવની સાથે ‘સાંજ સમાચાર’ના યુવા એક્ઝીક્યુટીવ એડીટર શ્રી કરણભાઇ શાહે વાર્તાલાપ કર્યો હતો. આ સમયે ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદિપભાઇ, શ્રીમતી પૂર્વીબેન શાહ, યુવા એક્ઝીક્યુટીવ શ્રી અંકુરભાઇ શાહ, શ્રીમતી અનુજાબેન, શ્રીમતી ચાર્મીબેન તેમજ અશ્વિનભાઇ કોઠારી, તરૂણભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી કરણભાઇ:- કાલાવડ રોડ-અવધ રોડ પર જૈન તીર્થ જયાનંદધામનું નિર્માણ પૂર્ણ થવાના આરે છે ત્યારે આ તીર્થની વિશેષતા શી છે?
પૂ. ગુરૂદેવ:- અવધનો જે વિસ્તાર છે તે અદભૂત છે, કુદરતી અને ખુલ્લી વાતાવરણ એટલે અવધ જે તમે લોકો પોશ એરિયા પણ માનો છો એટલે તે વિસ્તારમાં જયાનંદધામ નવગ્રહ જિનાલય બનવા જઈ રહ્યું છે જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને આરે છે. ‘જયાનંદ ધામ’ના નિર્માણ પાછળની કથા જણાવવા માગું છું. એક વખત કાલાવડ રોડ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વેજાભાઇ રાવલીયા, સાકરબેન, કેતનભાઇ, નમ્રતાબેન વગેરે વંદન કરવા આવેલા અને તે સમયે તેમને વિચાર આવ્યો કે અવધમાં પણ ભવ્ય જિનાલયનું નિર્માણ થાય.
તેઓને શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યેના ભાવ જાગ્યા અને સંઘના ટ્રસ્ટીઓ સમક્ષ પોતાના હૃદયની વાત મૂકી. ટ્રસ્ટીઓએ મને જણાવ્યું મેં પ્રસન્નતા વ્યકત કરી અને આમ જયાનંદધામ-નવગ્રહ જિનાલયમ નિર્માણના બીજ રોપાયા. જગ્યા પસંદ બાદ નિર્માના ચક્રોગતિમાન કર્યા. ભૂમિ પૂજન, શિલા સ્થાપન કરાયું. જયાનંદધામ જિનાલયની વિશેષતા એ છે કે તેના નવગ્રહના નવ પરમાત્મા બિરાજમાન થશે. નવેય પરમાત્માના નવ શિખરો છે. ગુજરાતમાં અંદાજે આ પ્રકારનું પ્રથમ જિનાલય ગણાશે.
નવ ગ્રહ જિનાલય
નવગ્રહ જિનાલયમાં ભગવાન આદિનાથ મુળનાયકરૂપે બિરાજમાન છે. શ્રી આદિનાથ દાદાની આરાધના માટે ગુરૂ ગ્રહના સ્વામી છે. આમ અન્ય ગ્રહોના સ્વામી જે જે ભગવાન છે તે બિરાજમાન થશે અને તે પણ શિખરબદ્ધ જિનાલય તરીકે રહેશે. નવ ગ્રહોની વાત કરીએ તો સૂર્ય માટે પદ્મપ્રભુ સ્વામી, ચંદ્ર માટે ચંદ્રપ્રભુ સ્વામી, મંગળ માટે વાસુપૂજ્ય સ્વામી, બુધ માટે વિમલનાથ દાદા, ગુરૂ માટે આદિશ્વર દાદા, શુક્ર માટે સુવિધીનાથ ભગવાન, શનિ માટે મુનિસુવ્રત સ્વામી, રાહુ માટે નેમિનાથ ભગવાન અને કેતુ માટે પાર્શ્વનાથ ભગવાન.
જયાનંદધામ-નવગ્રહ જિનાલયમાં નવેય ગ્રહના નવ પરમાત્માઓ બિરાજમાન થશે તથા નવેય પરમાત્માના નવ અધિષ્ઠાયક દેવ-દેવીઓ બિરાજમાન થશે.
શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ
રાજકોટવાસીઓને પાલીતાણાના શત્રુંજ્ય ગિરિનો અનુભવ થાય તે માટે શત્રુંજ્ય ગિરિ (ડુંગર) રાયણ પગલા બનાવાશે. તળેટીની રચના કરાશે. પૂ. ગુરૂદેવે જણાવ્યું કે અહીં સેનિટોરીયમ, ભોજનશાળા, વૈયાવચ્ચનો લાભ મળે તે માટે સાધુ-સાધ્વીજી ભગવંતોના બે ઉપાશ્રયો, પ્રવચન હોલ વગેરે બનાવાશે.
તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં પરમાત્માની ભક્તિ કરવા નવગ્રહ જિનાલય ભાવિકો માટે પ્રસન્નતા અને શાંતિ પ્રાપ્ત કરવાનું દિવ્ય સ્થાન રહેશે. ગુરૂદેવ જણાવે છે કે તેમના ગુરૂદેવ પૂ.આ. શ્રી જયાનંદસૂરિજી મ.નું સ્વપ્ન પૂર્ણ થયાનો હર્ષ છે. રાજકોટ કાલાવડ રોડ – ફાયર બ્રિગેડ પાછળ આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર તે પરમ પૂજ્ય જયાનંદસુરી મહારાજ સાહેબના જીવનની અંતિમ ક્ષણોમાં શિલાન્યાસ થયેલ.
રાજકોટ તેમના માટે ખૂબ ખાસ હતું. તેમની ભાવના હતી કે રાજકોટમાં અદભુત જિનાલય બને અને લોકોમાં ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ થાય. આજે જ્યારે જિનાલય બન્યું છે ત્યારે ધસારો થાય છે અને ભાવિકો દર્શનાર્થે આવે છે. આજના માણસને અનેક દુવિધા છે. ત્યારે પરમાત્માની ભક્તિ કરવાથી શાંતિ મળે છે. ત્યારે 9 પરમાત્મા ના શિખરોવાળું દેરાસર અવધમાં બની રહ્યું.
આગામી તા.10મી ફેબ્રુઆરીના જયાનંદધામ-નવગ્રહ જિનાલયમાં પરમાત્માની પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠા મહોત્સવ તા.1લી ફેબ્રુઆરીથી આરંભાશે તથા તા.11 ફેબ્રુઆરીના દ્વારોદ્ઘાટન થશે.
રાજકોટની પ્રજાને નવ અધિષ્ઠાયક દેવો તથા દેવીઓની આરાધના કરવાનો અવસર મળશે. પ્રજાજનો પ્રસન્નતા અને પવિત્રતા ધારણ કરે તેવી ભાવના સાથે આ જિનાલયનું નિર્માણ કરાયું છે.
લોનાવલા તીર્થ
પૂજ્ય જયશેખર મહારાજ સાહેબ લોનાવલા તીર્થ શ્રી જયાનંદધામ વિષે જણાવતા કહ્યું કે પુનામાં ગુરુદેવના ગુરુદેવનું ચાતુર્માસ હતું જે પૂર્ણ કરીને મુંબઇ આવતા હતા ત્યારે લોનાવલા આવ્યા અને અહીં શાંતિ અને પવિત્રતા જોવા મળી. વાતાવરણ દિવ્ય હતું અને વિચાર સ્ફૂર્યો કે અહીં જૈન તીર્થ હોવું જોઇએ.
વર્ષો બાદ આ વિચાર મુંબઈના 18 જૈન શ્રેષ્ઠીઓ સમક્ષ મૂક્યો અને ચર્ચાઓ બાદ લોનાવલામાં ભવ્ય તીર્થનું નિર્માણ થયું છે જેની પ્રતિષ્ઠા પણ થઇ ગઇ છે. ત્યાં પેહલા હાઇવે ટચ જમીન મળી અને ત્યારબાદ ભવ્ય જિનાલય તૈયાર થયું. ત્યાં મુનિસુવ્રત દાદા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પૂજ્ય ગુરૂદેવ જયાનંદસુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય સ્મૃતિમાં આ જિનાલયનું નિર્માણ થયું છે.
જિનેશ્વર પરમાત્માની પ્રતિમા
જિનાલયોમાં ભક્તિ માટે આલંબન સ્વરૂપે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું સ્થાપન થાય છે. આત્મ કલ્યાણનું માધ્યમ બને છે. દર્શનાર્થે આવનાર વ્યકિત પ્રસન્નતા પામે છે. પોતાને મળેલું જીવન સાર્થ થાય તે માટે પરમાત્માના દર્શન પૂજન, ભક્તિ જરૂરી છે. આ.ભ.પૂ. જયશેખર સૂરિશ્વરજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનથી મુંબઇ, લોનાવલા, રાજકોટ સહિત અને સ્થાનોમાં મોટી સંખ્યામાં જિનાલયો નિર્માણ પામ્યા છે.
રાજકોટમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં દેરાસરોનું નિર્માણ કરાવ્યું છે ?
રાજકોટમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી કાલાવડ રોડ જૈન દેરાસર (ફાયર બ્રિગેડ પાછળ), વિમલનાથ દેરાસર (વોકહાર્ટ હોસ્પિટલ સામે), શાંતિનાથ દેરાસર (જૂના એરપોર્ટ રોડ દેરાસર), પંચવટી દેરાસર (પ્રફુભાઈ ધામી પરિવાર), કૃષ્ણનગર જિનાલય, શાસ્ત્રીનગર જિનાલય, સાધુ વાસવાણી જિનાલય, સહિત અન્ય વિસ્તારોમાં નિર્માણ પામ્યા છે. સદ્ભાવના વૃધ્ધાશ્રમના મહા પ્રોજેક્ટમાં નિર્માણ પામનાર જિનાલય પણ પૂ. ગુરૂદેવની પ્રેરણાથી થનાર છે.
કરણભાઈ : વિજ્ઞાન ગતિ આપે, ગુરૂ દિશા આપે .. મુંબઈ કે અંગે મહાનગરોમાં યુવાનો ધર્મ પ્રત્યે જોડાય છે ?
પૂ.ગુરૂદેવ : હા બિલકુલ .. આજે યુવાનોને ખબર છે તેઓ ગમે તેટલું દોડે છે પણ શાંતિ ભગવાન પાસે અનુભવે છે. યુવાનોને મૂંઝવણ અનુભવે ત્યારે શરણ જુએ છે તે પછી દેવનું હોય કે પછી ગુરૂનું. જ્યારે તેઓ ગુરુ અથવા દેવ પાસે આવે છે ત્યારે સાંત્વના મળે છે. એટલે મુંબઈ હોય કે અન્ય કોઈ પણ મહાનગરો, યુવાનો જરૂરથી ધર્મભાવના સાથે જોડાય છે.
કરણભાઈ : જિનાલયોમાં ક્યાં ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન થશે, તે કેવી રીતે નક્કી કરો છો ?
પૂ.ગુરૂદેવ : જે તે એરિયામાં, સંઘ તથા ભાવિકો માટે તેમનું પુણ્યબળ વધે, એવા પ્રયત્ન અમે કરીએ છીએ. એટલે જે સંઘમાં જે ઉચિત ભગવાન આવતા હોય જેનાથી ભાવિકોને – સંઘને ધર્મભાવના વધે અને તે જિનાલય થકી પ્રગતિ થાય, સારું ફળ આપે ત્યાં અમે તે પ્રભુને બિરાજમાન કરીએ છીએ.
કરણભાઈ : ઉપધાન તપનો મહિમા શું છે ?
પૂ.ગુરૂદેવ : ગૃહસ્થ જીવનમાં શ્રાવક જીવન, મૂળ સૂત્રો એટલે કે નવકાર મંત્ર, લોગાસ, ઇર્યા વિર્યા, વેગેરે જેવા પવિત્રમાં પવિત્ર સૂત્રો પઠન કરે છે. અને આ થકી આત્મશુદ્ધિ થાય છે અને અશુભ કર્મો મુક્ત થાય છે. માણસ અશુભ કર્મોથી ઘેરાયેલો છે. ત્યારે આવા કર્મો થી મુક્ત થવા સાધના – આરાધના જોઈએ. ઉપધાન તપની આરાધના એક એવી જ આરાધના છે.
આ એક માત્ર એવી આરાધના છે જે પોતાના ઘરમાં ન થાય અને સાધુ ભગવંતો પાસે રહેવું પડે, અને ત્યાં સંયમથી રેહવું પડે. આ તપ જીવનની અંદર એક જ વખત થાય, બે વખત ન કરી શકાય. (વચ્ચે કરણભાઈએ કહ્યું કે હા ગુરૂદેવ, ઉપધાન તપ સૌથી કઠોર તપ છે) જૈન સાધુ જીવનનો અહેસાસ કરાવતું સર્વશ્રેષ્ઠ તપ એટલે ઉપધાન: આ.શ્રી જયશેખરસૂરિજી મ. નવકાર મંત્રનું લાયસન્સ એટલે ઉપધાન તપ છે.
કરણભાઇ :- આપે નાની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, આપને સંયમભાવ કઇ રીતે જાગૃત થયો ગુરૂદેવ?
પૂ.ગુરૂદેવ : પૂજ્ય ગુરૂદેવ આ. શ્રી જયાનંદસૂરિજી મહારાજનું પ્રાર્થના સમાજ (મુંબઇ)માં ચાતુર્માસ હતું તે વખતે મારી બાળવય હતી. પૂજ્યશ્રીના સંસર્ગના પ્રભાવથી તથા પૂર્વ જન્મના સંસ્કારોના કારણે વૈરાગ્યના ભાવ જાગ્યા ત્યારે એક દિવસ ગોચરી માટે પધારેલા ગુરૂદેવે મારા માતાને કહ્યું કે ગોચરીમાં કોઇ યાદગાર વસ્તુ વહોરાવો અને માતા-પિતાની સંમતિથી બાળવયે દીક્ષા ગ્રહણ કરી આજે દીક્ષાને 55 વર્ષ થી વધુ સમય થયો છે. આજે પણ પૂર્વકર્મના સંસ્કારોના કારણે નાના બાળકો સંયમ જીવન ગ્રહણ કરે છે.
કરણભાઈ : લોકોને ઘણી તકલીફ હોય છે, એવો કયો મંત્ર કરવો જેનાથી કષ્ટ દૂર થાય ?
પૂ. ગુરૂદેવ : પૂ. ગુરૂદેવે જણાવ્યું કે આજના સમયમાં આર્થિક, સામાજીક કે આરોગ્ય માટે ભક્તામરનું પઠન કરવું લાભદાયક છે. ભક્તામરના પાઠ કરવાથી સર્વ સંકટોમાંથી મુક્તિ મળે છે. અગર ભક્તામર ન કંઠસ્થ થાય તો ફકત શ્રવણ પણ કરી શકાય છે.