Rajkot,તા.04
રાજકોટમાં ગત રવિવારે રાત્રે માત્ર સવા કલાકના સમયગાળા દરમિયાન બે સ્થળે કુલ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકી, બે યુવાનોને લૂંટી લઈ આતંક મચાવનાર ચાર આરોપીઓને બી-ડિવીઝન પોલીસે ઝડપી લીધા છે. જેમાંથી એક આરોપી સગીર છે.
ઝડપાયેલા આરોપીઓમાં શિવરાજ વિનુભાઈ ઉધરેલીયા (ઉ.વ.ર૧, રહે. શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે), સાગર શામજીભાઈ ઉધરેલીયા (ઉ.વ.૧૯) અને સન્ની ઉર્ફે ચડીયો કલુભાઈ ઉધરેજીયા (ઉ.વ.ર૧) (રહે. બંને ભગવતીપરા) ઉપરાંત એક સગીરનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી પોલીસે લૂંટી લીધેલા રૃા.૧૧પ૦૦, બે મોબાઈલ ફોન અને છરી કબજે કરી હતી. આ તમામ આરોપીઓએ ગત રવિવારે રાત્રે ભગવતીપરા પુલ નીચે ફાકી નહીં આપનાર હાર્દિક ઉર્ફે હિતેષ નટુભાઈ ચૌહાણને છરીના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી આરોપીઓ જૂના માર્કેટીંગ યાર્ડવાળા રોડ પર ગયા હતા.
જયાં પાણીપુરી નહીં આપનાર દિપક નિશાદ પાસેથી રોકડા રૃા.૧પ૦૦ અને તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. નજીકમાં જ હિતેષ પ્રભાતભાઈ ડાંગર પાસેથી રોકડા રૃા.૧૦ હજાર અને તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. હિતેષે બુમાબુમ કરતાં વચ્ચે પડેલા જય ખોયાણીને છરીના ઘા ઝીંકી દીધા હતા.
જેમાં સ્થળ પરથી એક આરોપી સન્ની ઉર્ફે ચડીયો ઝડપાઈ ગયો હતો. તેની પુછપરછ કરી બી-ડિવીઝન પોલીસે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.