RAJKOT, તા. 28
રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર દિવસના રંગીલા રાજકોટ દિવાળી ઉત્સવનો ગઇકાલે રવિવાર સાંજથી પ્રારંભ થયો છે. ગત સાંજે કિસાનપરા ચોક પાસે સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવતા શહેરીજનો મજા માણવા પૂરા રીંગ રોડ પર ઉમટી પડયા હતા. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શો સહિતના વિશેષ આકર્ષણો બન્યા છે.


આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે,રોજ બરોજની રૂટિન કાર્યશૈલી સાથે દિવાળી ઉત્સવ ઉજવવો એ આપણી પ્રણાલી છે. કોર્પો. દ્વારા પાંચ દિવસ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેને લોકો ઉમંગથી માણવા લાગ્યા છે.
સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ દિવાળીની સૌને શુભકામના પાઠવતા જણાવેલ કે,નગરના ઉત્સવના માહોલમાં મહાનગરપાલિકા જોડાયું છે તે અભિનંદનને પાત્ર છે. આ ઉત્સવ ઘરે ઘરે રંગોળી બનાવવાનો અને ફટાકડા ફોડવાનો છે. જેમાં, કોર્પો. આખા શહેરને એક કરીને ઉત્સવની ઉજવણી કરે છે. દિવાળી સમયે રંગોળી કરવી, ફટાકડા ફોડવા અને લક્ષ્મી પૂજા કરવી એ આપણા પૂર્વજોએ ચીલો ચાલુ કર્યો છે.
અંધકારમાંથી પ્રકાશનું પર્વ એટલે દિવાળી પર્વ પ્રભુ શ્રીરામ જ્યારે પોતાના ઘરે અયોધ્યા પધાર્યા તે દિવસને દિવાળી ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં બહેનો દ્વારા મોટા પાયે રાજકોટના આંગણે રંગોળી કરવાના છે આવું ભવ્ય આયોજન કરાયું છે.
કોર્પોરેશન સ્પોર્ટ્સ એન્ડ રી-ક્રિએશન ક્લબ દ્વારા કરા ઓકે મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા, મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ અર્પણ કરી સ્વાગત શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને સમાજ કલ્યાણ સમિતિ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદઘાટન બાદ બગીમાં બેસી રેસકોર્ષ રીંગ રોડની રોશની મહેમાનોએ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ પાંભર,શિક્ષણ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, કોર્પોરેટરા વિનુભાઈ સોરઠીયા, દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, બી.એલ.કાથરોટીયા,સહાયક કમિશનર અને પી.એ.ટુ કમિશનર ડો.એન.કે.રામાનુજ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, સિટી એન્જીનીયર અતુલ રાવલ, બી.ડી.જીવાણી, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નીલેશ કાનાણી, નીરજ વ્યાસ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મહેતા વગેરે હાજર રહ્યા હતા.
ડીજેના ઘોંઘાટથી સોસાયટીઓ ધ્રુજી ઉઠી
લાઇટીંગ સાથે ધમાકાભેર મ્યુઝીક ચાલુ થતા રહેવાસીઓ હેરાન : કોર્પો.-પોલીસને ફરિયાદ
રાજકોટના રેસકોર્સ રીંગ રોડ ફરતે ગઇકાલથી મનપાના દિવાળી ઉત્સવનો પ્રારંભ થયો છે. પરંતુ આ વખતે મનપાએ રહેણાંક સોસાયટીઓ સુધી ડેકોરેશન સાથે ડીજેની ધમાલ અને સ્પીકર ગોઠવતા અનેક સોસાયટીના લોકો મોડી રાત સુધી હેરાન થયાની ફરિયાદ મ્યુનિ. કમિશ્ર્નર અને પોલીસ કમિશ્ર્નર સુધી કરવામાં આવી છે.
ગઇકાલે રેસકોર્સ રીંગ રોડ ફરતે કાર્નિવલ શરૂ થયો છે.
આ વખતે બહુમાળી ચોકથી આગળ આકાશવાણી રોડથી જિલ્લા પંચાયત ચોક જતા રસ્તે પણ લાઇટીંગ ગોઠવવામાં આવ્યું છે તો ડીજે મ્યુઝીક પણ ગોઠવવામાં આવ્યું હતું. હવે આકાશવાણી રોડ અને જિલ્લા પંચાયત ચોક વચ્ચે ડઝનથી વધુ સોસાયટી આવેલી છે. આકાશવાણીના ખુણે, ગેલેકસી ટોકીઝની ફૂટપાથ પર ધમાલવાળુ મ્યુઝીક ચાલુ થતા વાયબ્રેશનથી અનેક સોસાયટીના કાચ ધ્રુજી ઉઠયા હતા. વડીલોને ભારે મુશ્કેલી પડી હતી અને ડીજે હટાવી લેવા અથવા ધીમુ કરી દેવા વાત કરી હતી જે કોઇએ સાંભળી ન હતી.
આ બાદ ગેલેકસી, રાજેશ, કિરણ, આકાશવાણી ગેટ સામેની સોસાયટીમાંથી કોર્પો. અને પોલીસમાં ફરિયાદ થઇ હતી. કોર્પોરેટરોને જાણ કરાઇ હતી. આજથી આ ડીજેનો ઘોંઘાટ રહેવાસીઓની તકલીફ ધ્યાનમાં રાખી બંધ કરવા માંગણી કરાઇ છે.
દિવાળી ઉત્સવની હાઈલાઈટ્સ
– રેસકોર્સ રિંગ રોડ ફરતે 31/10 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન તેમજ બહુમાળી ચોક ખાતે ભવ્ય લેસર શો
– તા.29 બપોરે 4 કલાકે રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધાઅંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.
– આ રંગોળી તા.30 અને તા.31ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.
– તા.30ના રોજ સાંજે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી.
– રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સનું આકર્ષણ.