Rajkot,તા.17
પતિ, સાસરીયા સામે ત્રણ સંતાનોની માતાની શારીરિક માનસિક ત્રાસ ઘરેલું હિંસાની ફરિયાદના કેસમાં અદાલતે સગીર પુત્રી અને પરિણીતાનું માસિક રૂપિયા 14000 ભરણપોષણ ચૂકવવા આર્મીમેન પતિને હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, હાલ માવતરની નિશ્રામાં રહેતા ઉષાબેન મહેશભાઈ સોલંકીના લગ્ન આશરે ૨૫ વર્ષ પહેલા મહેશ પોપટભાઈ સોલંકી સાથે થયા હતા અને સહલગ્નજીવન દરમ્યાન ” ધૈતાલી “, “ભુપલ ” તથા સગીર પુત્રી ” વિધા” નો જન્મ થયેલ હતો. જે હાલ અરજદાર પાસે છે. થોડા સમય બાદ પતિ સાસરિયાંઓ દ્વારા કુળ વધૂ ઉષાબેનને શારીરિક માનસીક ત્રાસ બાબતે કુટુંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ તેમ છતાં સામાવાળાઓની વાણી, વર્તન, વ્યવહારમાં કોઈપણ જાતનો ફેરફાર થયેલ ન હોય તેથી અરજદારને પીયરે આવવાની નોબત આવેલ હતી. આ સમયગાળા દરમ્યાન પતિ મહેશ સોલંકી દ્વારા ઉષાબેન તથા સગીર પુત્રીની ભરણપોષણની કોઈ જવાબદારી નિભાવી ન હોઈ તેથી ઉષાબેને કોર્ટ સમક્ષ ઘરેલુ હિંસા રક્ષણ અધિનિયમ-૨૦૦૫ના કાયદા અન્વયે
મહેશ પોપટભાઈ સોલંકી (પતિ), મંગળાબેન પોપટભાઈ સોલંકી (સાસુ), જયસુખ પોપટભાઈ સોલંકી (દિયર), શારદાબેન જયસુખભાઈ સોલંકી (દેશણી વિરૂધ્ધ પોતાનું તથા સગીર સંતાન ” વિધા” માટે ભરણપોષણ તથા ઘરેલું હિંસા ત્રાસમાંથી રક્ષણ મેળવવા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં સામાવાળાઓ કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા અને જવાબ વાંધા રજુ કરેલ હતા. સદર કામે અરજદારના લીગલ એડના એડવોકેટ ભાર્ગવ પંડયા જણાવેલ કે સામાવાળા પતિએ વિના કારણે પત્નીનો તથા સગીર સંતાનનો ત્યાગ કરેલ છે, ચાલુ લગ્નજીવન દરમ્યાન અરજદારને વિના કરણે ઘરમાંથી કાઢી મુકેલ છે, અરજદારને તેડી જવા તૈયારી નથી, જે તમામ સત્ય હકીકત રેકર્ડ પર આવેલ છે, જે રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. આર. જગુવાલાએ અરજદાર ઉષાબેનની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજી દાખલ તારીખથી અરજદાર પત્નીને માસીક રૂા. ૯,૦૦૦/- તથા સગીર પુત્રી “વિધા “ને માસીક રૂા. ૫,૦૦૦/- કુલ મળીને માસીક રૂા. ૧૪,૦૦૦/- તેમજ મકાન ભાડા પેટે માસિક રૂા. ૨,૦૦૦/- નિયમીત સામાવાળા પતિ મહેશ પોપટભાઇ સોલંકીએ ચુકવવા, તેમજ અરજદારને અરજી ખર્ચ પેટે રૂા. ૧,૦૦૦- ચુકવવા ઉપરાંત તેમજ અરજદારનો તમામ કરીયાવર પ્રોટેક્શન ઓફિસર મારફત અરજદારને પરત સોંપવાનો રહેશે, આ કેસમાં અરજદાર પરિણીતા તરફે લીગલ એડના ધારાશાસ્ત્રી ભાર્ગવ. જે. પંડયા, રોકાયા હતા.