ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઈ ઠગાઈ કરી
Rajkot,તા.17
રાજકોટમાં ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂપિયા બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાની એકાઉન્ટન્ટ સામે નોંધાયેલી ફરિયાદમાં માલવિયાનગર પોલીસ સ્ટેશને ગુનો બનતો નથી, એવા મતલબનો કરેલો સી સમરી રિપોર્ટ ફોજદારી કોર્ટે નામંજૂર કરી પોલીસ દ્વારા ફેરતપાસનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ફરીયાદી વ્રજેશભાઈ પરસોતમભાઈ ગઢીયાએ તેની માલિકીની રૂષિ એન્ટરપ્રાઈઝ પેઢીનું એકાઉન્ટ સંભાળતા કર્મચારી બાલકૃષ્ણ પ્રવીણભાઈ ગઢીયા (રહે. સેટેલાઈટ પાર્ક, મવડી ગામ પાસે, રાજકોટ)એ પેઢીમાં અંદાજે રૂપિયા બે કરોડ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૪૦૯, ૪૨૦ મુજબની ફોજદારી ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદની તપાસમાં પોલીસ ઇન્સપેકટર જે.આર. દેસાઈએ અદાલત સમક્ષ એવો રિપોર્ટ કરેલ કે, આરોપી બાલકૃષ્ણ ગઢીયાના બેંક એકાઉન્ટની સરકારી નિમણુંક પામેલ સી.એ. દ્વારા ખરાઈ કરતાં તેની રવિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી સને ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાન કટકે કટકે રૂપિયા ૪૦થી ૪૫ લાખ જમા થયેલા અને આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલાને તેના અંગત કામ સબબ રૂપિયાની જરૂરીયાત હોય જેથી તેના પિતાએ જરૂરીયાત મુજબ રૂપિયા આપેલા અને રૂપિયાની સગવડ થઈ જતાં તેના પિતાના કહેવા મુજબ તેના પિતાના બેંક ખાતામાં તથા તેના ભાઈ કલ્પેશ અને પત્ની હિનાબેનના બેંક ખાતામાંથી આ રૂપિયા પરત આપી દીધેલ, જેથી આ ઉચાપતનો કેસ નથી તેમ જણાવી સી-સમરીનો રિપોર્ટ અદાલત સમક્ષ રજુ કર્યો હતો. જે રિપોર્ટ સામે વ્રજેશભાઈ પરસોતમભાઈ ગઢીયાએ તેમના એડવોકેટ અર્જુન પટેલ મારફતે સી-સમરી મંજુર થવા સામે લેખિત વાંધા રજુ કરી મૌખિક દલીલો કરેલી અને અદાલત સમક્ષ આ ઉચાપતનો કેસ હોવાનું જણાવેલું તેમજ રેકર્ડ ઉપરના નિવેદનો ઉપરથી અદાલતનું ધ્યાન દોરેલું કે એક એકાઉન્ટન્ટ ફરીયાદીના ખાતામાંથી જે રીતે ખોટા હેડ દર્શાવી પોતાના ખાતામાં રકમો ટ્રાન્સફર કરે છે તે હકીકત પાઈમાફેસી ઉચાપત દર્શાવે છે. તેમજ આ ફરીયાદીની પેઢી રૂષિ એન્ટરપ્રાઈઝના બેંક એકાઉન્ટમાંથી ૧૩૫ જેટલી શંકાસ્પદ એન્ટ્રીઓ જણાયેલી અને નાણાં આરોપીની પેઢીમાં તેના ભાઈ પંકજ ગઢીયાની પેઢીમાં તેના કર્મચારીઓ સાગર ચાંગાણી અને મયુર ગજેરાના ખાતામાં તેમજ હિતેષ રાબડીયાના ખાતામાં અને બી. પટેલ એન્ડ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થયેલાનું જણાયેલું. જે નાણાં શા માટે ટ્રાન્સફર થયેલા છે તે નાણાં કઈ હકીકત સબંધેના છે તેનું કોઈ ઇન્વેસ્ટીગેશન પોલીસે કર્યું નથી. તેમજ આ ગુનાની તપાસ તપાસનીશ અધિકારી દ્વારા માલાફાઈડ કરવામાં આવી રહી છે તેવી રજૂઆત પોલીસ કમિશ્નરને ફરીયાદીએ કરતા પોલીસ કમિશ્નરે તા. ૨૧/ ૦૬/ ૨૦૨૪ના રોજ તપાસ પી.આઈ. ડી.સી.બી.ને સોંપવાનો હુકમ કર્યો હતો, તેમ છતાં માલવિયાનગરના પી.આઈ.એ સી-સમરીનો રિપોર્ટ અદાલતમાં રજૂ કરેલો. જે હકીકતો, પુરાવા અને એડવોકેટ અર્જુન પટેલની દલીલો ધ્યાને લઈ અદાલતે સી-સમરી નામંજુર કરી પોલીસ કમિશનરની સુચના મુજબ આ ગુનાનું ઈન્વેસ્ટીગેશન ક્રાઈમ બ્રાંચ, રાજકોટ શહેરને કરવા માટે આદેશ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન, સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા તથા જતીન ડી. પાંભર રોકાયા હતા.