રાજકોટ,તા.11
રાજકોટમાં બોગસ દસ્તાવેજ બનાવી મિલકતો પચાવી પાડવાનું મોટુ કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. સબ રજીસ્ટાર ઓફીસમાં થયેલી અરજીનાં અનુસંધાને ગઈકાલે પ્ર.નગર પોલીસે ફેમીલી કોર્ટ પાસે આવેલ સબ-રજીસ્ટ્રારની ઓફીસનાં કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાને દબોચી પુછતાછ હાથ ધરતાં મોટો ધડાકો થયો હતો જેમાં મઘરવાડા સહીતની 20 થી વધુ કરોડોની મિલકતોનાં બોગસ દસ્તાવેજ બની ગયાનું સામે આવ્યું છે.
હાલ સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ પ્ર.નગર પોલીસ મથકે દોડી જઈ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. વધુમાં પ્ર.નગર પોલીસ મથકનાં પીઆઈ ભાર્ગવ ઝણકાંતે ચકચારી બનાવ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2023 માં મઘરવાડા બોગસ દસ્તાવેજ બની ગયા હોવાની અરજી સબ રજીસ્ટ્રાર ઓફીસમાં આપી હતી.
જે મામલે તપાસનાં અંતે દસ્તાવેજ સાથે ચેડા થયાનું માલુમ પડતાં સબ રજીસ્ટ્રારનાં અધિકારીએ પ્ર.નગર પોલીસને જાણ કરી શંકાસ્પદ વ્યકિત તરીકે જયદીપ શાંતિલાલ ઝાલા જે ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે તેનુ નામ આપ્યું હતું.
બાદમાં પ્ર.નગર પોલીસે ગઈરાતે શંકાસ્પદ જયદીપ ઝાલા (રહે.કેસરકૃપા ખોડીયાર કૃપા સોસાયટી શેરી નં.3) કોઠારીયા રોડને પકડી પાડી પોલીસ મથકે લાવી પીઆઈ પીયુષ ડોબરીયા અને ટીમે તેની સઘન પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ પાસે જયદીપ ઝાલાએ વટાણા વેરી મોટો ખુલાસો કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મઘરવાડામાં આવેલ એક મિલકત જે જુની શરતની હતી. તેમની માલીકી ધરાવતાં વૃદ્ધાનું અવસાન થતાં તે મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું સામે આવ્યું હતું.
ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે એકથી વધુ આરોપીઓએ જે મિલકતનાં માલીકોનું અવસાન થયેલ હોય કે વિદેશ રહેતા હોય તેવી અનયુઝ મિલકતો શોધી તેનાં દસ્તાવેજમાં ટોળકી દ્વારા કોઈ એક વ્યકિતનો ફોટો તેમજ તેમનાં બોગસ આધારકાર્ડ પાનકાર્ડ બનાવી તે મિલકત પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી.
પ્રાથમીક તપાસમાં મઘરવાડા ગામ સહીત અન્ય વિસ્તારોની મળી કુલ 20 થી વધુ મિલકતોનાં બોગસ દસ્તાવેજો બનાવી કરોડોની મીલકતો પચાવી પાડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. હાલ પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાને સકંજામાં લીધો હતો બનાવ અંગે ઝોન-1 સબ-રજીસ્ટ્રાર કચેરીનાં અધિકારી અતુલ દેસાઈની ફરીયાદ પરથી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
આઈપી એડ્રેસ બદલાવી કે કર્મચારીઓની મીલીભગતથી કૌભાંડ થયાનું અનુમાન
કરોડોની બોગસ મિલકત કૌભાંડનાં બનાવમાં મળતી વિગત મુજબ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કૌભાંડ આચર્યાનું પ્રાથમીક પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું. જેમાં કોમ્પ્યુટર ઈજનેરો દ્વારા કોમ્પ્યુટર હેક કરી અથવા આઈપી એડ્રેસ અન્ય કોમ્પ્યુટરમાં લઈ કે ઓફીસનાં અધિકારીઓ-કર્મચારીઓની મીલી ભગતથી કૌભાંડ થયાનું પ્રાથમીક અનુમાન છે. જે અંગે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રૂા.1.67 લાખ મારી સેવીંગનાં છે, દારૂ-રોકડ સાથે પકડાયેલા ઓપરેટરનો લુલો બચાવ
પ્ર.નગર પોલીસે બોગસ દસ્તાવેજ કૌભાંડ મામલે કરેલી ત્વરીત કાર્યવાહીમાં પકડાયેલ કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાની એકટીવામાંથી રૂા.1.67 લાખ રોકડ અને દારૂની 1 બોટલ પણ મળી આવી હતી. જે મામલે પુછતાછમાં આરોપીએ પોતાના બચાવમાં કહ્યુ કે રોકડ તેમની બચતની મરણમુડી છે. રોકડ મામલે પણ પોલીસે તપાસ આદરી છે.