Rajkot,તા.08
રાજકોટમાં એનઆરઆઇ મહિલા અને તેના ભાભી સામે મકાનના કબજા રહીત સાટાખત કરારના વિશિષ્ટ પાલન, વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મેળવવા વાદી દ્વારા કરવામાં આવેલો દાવો સિવિલ કોર્ટે નામંજૂર કર્યો છે. દાવાની હકીકત મુજબ, ૨જનીભાઈ મેપાભાઈએ એનઆરઆઈ ફાલ્ગુનીબેન શાહ પાસેથી મકાન ખરીદવા કરેલ કબજારહિત સાટાખત કરારની સમય મર્યાદા બાદ કાયદેસરની નોટિસ આપવા છતા ફાલ્ગુનીબેન દસ્તાવેજ કરી આપતા ન હતા. આથી રજની મેપાભાઇએ ૨૦૧૦ની સાલમાં ફાલ્ગુનીબેન શાહ તથા હિનાબેન કમલેશભાઈની સામે રાજકોટની સિવિલ કોર્ટમાં કહેવાતા કબજારહીત સાટાખતના આધારે કરારના વિશિષ્ટ પાલનનો દાવો દાખલ કરેલ અને તે સામે પ્રતિવાદી હિનાબેન કમલેશભાઈએ પોતે જે તે સમયે સન ૨૦૦૬થી વાદગ્રસ્ત મિલ્કતમાં કાયદેસરનો કબજો ભોગવટો દર્શાવે છે, તેવી રજૂઆત કરેલ અને અદાલત દ્વારા કરાવવામાં આવેલ પંચનામામાં પણ પંચોએ જણાવેલ છે કે હિનાબેન કમલેશભાઈ પોતાના પરિવાર સાથે વાદગ્રસ્ત જગ્યામાં રહે છે અને કબજો ભોગવટો ઘરાવે છે. એ રીતે વાદી વાદગ્રસ્ત મિલ્કતનો કબજો ધરાવતાની હકીકત પણ અદાલતે ઉપરોકત તથા અન્ય પુરાવો ધ્યાને રાખીને વાદીનો કબજો હોવાનું સ્વીકાર્યું ન હતું, તેમજ બંને પક્ષકારો દ્વારા રજુ થયેલ દસ્તાવેજો, જુબાની તેમજ બંને પક્ષકારોના વકીલની દલીલોને ધ્યાને લઈને સિવિલ જજ જે. વી. પરમારે વાદી રજનીભાઈ કરારની શરતો મુજબનું પાલન કરવા માટે રેડી અને વિલિંગ હતા, તેવું સાબિત ન થાય ત્યાં સુધી વાદીની તરફેણમાં હુકમ હુકમનામું થઈ શકે નહીં, એમ ઠરાવી વાદીનો દાવો નકારી કાઢ્યો છે. આ કેસમાં પ્રતિવાદીઓ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી જયુભાઈ શુકલ, આર.ટી.જોષી, કપીલભાઈ શુકલ, પુજા શુકલ, કેયુરભાઈ જોષી, પ્રવીણભાઈ ત્રિવેદી, જગદીશભાઈ ચોટલીયા તેમજ શ્રુતિ કવા રોકાયા હતા.