Rajkot, તા.10
રાજકોટ જિલ્લાનાં વાવડીમાં આજરોજ રેવન્યુ તંત્રની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા કાચા-પાકા મકાનોનાં ડિમોલીશન દરમ્યાન દબાણકર્તાઓએ રેવન્યુનાં સ્ટાફ સાથે ઉગ્ર માથાકૂટ કરી અને ચાલુ ડિમોલીશને વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા થોડો સમય આપવામાંગ કરતા ડિમોલીશનમાં વિઘ્ન સર્જાયું હતું છતાં તંત્રએ ડિમોલીશનની કાર્યવાહી યથાવત રાખી હતી.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજનું ડિમોલીશન રેવન્યુ, આરએમસી અને રૂડાનું સંયુક્ત રીતે હતું. ઉપરોક્ત જમીનમાં રૂડા તંત્રએ જે-તે સમયે મ્યુનિ. કોર્પોરેશનને પ્લોટ ફાળવેલ હતા. તે જમીન ઉપરાંત બાજુમાં આવેલ કલેક્ટર તંત્રનાં સરકારી ખરાબામાં પણ 51 જેટલા નાના-મોટા મકાનોનાં દબાણો ગેરકાયદે ખડકાઇ ગયા હતા.
તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેક્ટરે ઉપરોક્ત જમીનમાં ગેરકાયદે બંધાઇ ગયેલા 51 મકાનોનાં દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ-હટાવવા માટે નોટીસો ફટકારી હતી. પરંતુ નિયત સમયમાં દબાણો નહીં હટાવાતા આજરોજ રેવન્યુ રૂડા અને આરએમસી દ્વારા સંયુક્ત રીતે વાવડી સર્વે નં. 149 અને ટીપીમાં આવેલી પાંચ હજાર ચો.મી. જેટલી અને અંદાજીત રૂા.25 કરોડની કિંમતની સરકારી જમીન પરથી દબાણો હટાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
દરમ્યાન આજરોજ આ દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન રાજકોટ તાલુકા, મામલતદારના સ્ટાફને દબાણકર્તાઓ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું અને ઉગ્ર માથાકૂટ સર્જાઇ હતી. દબાણકર્તાઓએ એક તબકકે દબાણ અટકાવી અને વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા થોડો સમય આપવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
દરમ્યાન અત્રે માથાકૂટ વધી જતાં રાજકોટ પ્રાંત-2 અધિકારી મહેક જૈન ઘટના સ્થળે દોડી ગયા હતા. અને વાવડીનાં સ્થાનિક આગેવાનો તથા દબાણ કર્તાઓની રજૂઆતો સાંભળી અને પ્રશ્ન અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી. ત્યારબાદ ફરી ડિમોલીશન શરૂ કરી શકાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી જિલ્લા કલેક્ટરનાં આદેશ મુજબ જુદા-જુદા તાલુકા મામલતદારોની આગેવાની હેઠળ કરોડો રૂપિયાની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે.
ત્યારે, આજે વાવડીમાં પણ જિલ્લા કલેક્ટરનાં આદેશ મુજબ દબાણો હટાવવામાં આવ્યા હતા અને અંદાજીત રૂા.25 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.