બોગસ પેઢી ઊભી કરી માલના વેચાણ વિના ઇ-વે બિલ મોકલી રૂપિયા ઈનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદે મેળવી હતી
Rajkot,તા.17
રાજકોટ પંથકમાં બોગસ પેઢી ઊભી કરી માલના વેચાણ વિના જુદા જુદા લોકોને ઇ-વે બિલ મોકલી રૂપિયા 61 લાખની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદે મેળવવાના કૌભાંડના જેલ હવાલે રહેલા એક ડઝન આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ, આ કૌભાંડ ઉજાગર કરનાર જી.એસ.ટી.ના સુપ્રિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ સિંઘે ડીસીબી પો. સ્ટે.માં ૨૯ આરોપીઓ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ હતું કે, પરમાર એન્ટરપ્રાઈઝ નામની બનાવટી પેઢી ઉભી કરી તેના માલીક તરીકે વિશાલ પ્રવિણભાઈ પરમારે કોઈપણ પ્રકારના માલનું વેચાણ કર્યા વિના જુદા જુદા આરોપીઓને ઈ-વે બિલ મોકલ્યા હતા. આ બિલ મળતા આ તમામ આરોપીઓએ મિલાપીપણું કરી જી.એસ.ટી.માંથી ખોટી રીતે ૬૧ લાખ રૂપિયાની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી
ઉચાપત કરી છે. આ મુજબની ફરિયાદ મળતા તપાસનીશ પી.એસ.આઈ. કે. ડી. મારૂએ વધુ તપાસ કરતા જાણવા મળેલ કે, માલ વેચનાર તરીકે મુખ્ય આરોપી પરમાર એન્ટરપ્રાઈઝે જી.એસ.ટી. રજિસ્ટ્રેશન માટે રજૂ કરેલો ભાડા કરાર પણ બનાવટી છે. પોલીસ દ્વારા ૨૯ આરોપીઓમાંથી ૧૨ આરોપીઓ વિશાલ પ્રવિણભાઈ પરમાર, પાર્થ સતીષભાઈ પરમાર, અમન નાસીરભાઈ કારાણી, અમનબીન રફીકભાઈ આરબ, સૈયદ માજીદભાઈ સારી, લખુભા નાનભા જાડેજા, શૈલેષ ઘનશ્યામભાઈ પટેલ, પાર્થ મનોજભાઈ રોજીવાડીયા, ભેરસિંઘ શંકરસિંઘ રાજપુત, અલ્પેશ ગોબરભાઈ હીરપરા, ફીરોજભાઈ અબ્દુલભાઈ જુણેજા, અનિષ અમનભાઈ આરબ વગેરેની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે થયા હતા. તેઓએ જેલમાંથી જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજુ કરી હતી. અને તેમના વતી રજુઆત કરવામાં આવેલ કે, હાલનો કેસ ફકત જી.એસ.ટી. એકટ હેઠળ નોંધી શકાય તે પ્રકારનો છે, પરંતુ ફરિયાદી અધિકારીએ ફોર્જરી જેવા ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાવેલ છે કારણ કે જી.એસ.ટી.ના કાયદા મુજબ જેલની સજા ફકત ૩ વર્ષની છે.
જેની સામે સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ જણાવેલ હતું કે, મુખ્ય આરોપી તરીકે પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં માલીકનું નામ વિશાલ પ્રવિણભાઈ પરમાર જણાવવામાં આવેલ છે. પરંતુ આ પેઢીનુ જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે તે જૂનાગઢ ખાતે જીતેન્દ્ર ઝીંઝુવાડીયાએ ખોલાવેલ છે. આ રીતે જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટમાં વિશાલને પરમાર એન્ટરપ્રાઈઝના માલીક દર્શાવેલ છે, પરંતુ બેંકમાં આ પેઢીના માલીક તરીકે જીતેન્દ્રને દર્શાવેલ છે. આરોપીઓએ રજુ કરેલ તેઓના બેંક એકાઉન્ટમાં પરમાર એન્ટરપ્રાઈઝને ચુકવણી થયાનું જણાય છે. પરંતુ ખરેખર આ ચુકવણીની રકમ વિશાલ પરમારને નહી પરંતુ આરોપીઓના મળતીયા જીતેન્દ્ર ઝીંઝુવાડીયાને ચુકવાયેલ છે. પોલીસ તપાસ દરમ્યાન વિશાલ પરમારની પુછપરછ કરતા તેઓને પરમાર એન્ટરપ્રાઈઝના નામની પેઢીની કોઈ જાણકારી નહીં હોવાનું અને તે ફકત તબલાવાદક હોવાનું જણાવે છે. આથી સ્પષ્ટ થાય છે કે બીજા તમામ આરોપીઓએ મિલાપીપણું કરી વિશાલના આધાર કાર્ડ, પાનકાર્ડની નકલો મેળવી તેનો દુરઉપયોગ કરી પેઢીનું રજિસ્ટ્રેશન કરાવેલ છે. તે જ રીતે પરમાર એન્ટરપ્રાઈઝને ચેકથી ચુકવાયેલ રકમ ખરેખર જુનાગઢ ખાતેની બેંકમાં જીતેન્દ્ર ઝીંઝુવાડીયાને ચુકવાયેલ છે. આ રીતે કોઈપણ માલની ખરીદી કર્યા વિના ફકત બિલના આધારે આરોપીઓએ ૬૧- લાખનું પેમેન્ટ કર્યાનું બતાવી તે તમામ રકમ જીતેન્દ્ર ઝીંઝુવાડીયા પાસેથી પરત લઈ લેવામાં આવેલ છે અને તે ઉપરાંત જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટની જંગી રકમ ગેરકાનુની રીતે સરકારી તીજોરીમાંથી ઉચાપત કરેલ છે. આ તમામ હકિકતોથી સ્પષ્ટ થાય છે કે, આરોપીઓએ સંયુકત રીતે કાવતરું ઘડી સરકારમાંથી આટલી મોટી રકમની ઉચાપત કરી ભારતીય દંડ સંહિતા હેઠળનો પણ ગુન્હો આચરેલ છે. આવા ગંભીર ગુનાના આરોપીઓની જામીન અરજી રદ થવી જોઈએ. સરકાર તરફેની આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ અધિક સેશન્સ જજજી. એ. ગલેરીયાએ આરોપીઓની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.