Rajkot,તા.18
તારી જિંદગી ખરાબ કરી નાખવી છે, છૂટાછેડા નહિ આપું પણ તને સજા કરાવવી છે… પત્ની અને સાસરિયાની આવી અનેક ધમકીથી કંટાળી કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ પરિવાર હાઉસીંગ સોસાયટીમાં રહેતાં મહેશભાઇ કરસનભાઇ વિંઝુડા (ઉ.વ.૨૮) નામના યુવાને પંખામાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનામાં યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનાર મહેશભાઇ વિંઝુડાના નાના ભાઇ પિયુષભાઇ (પોલો) રામજીભાઇ વિંઝુડા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી લોધીકાના વાજડી (વડ) ગામે રહેતી મહેશભાઇની પત્નિ હેતલબેન મહેશભાઇ વિંઝુડા, સસરા કરસનભાઇ બાટા, સાળા કમલેશ કરસનભાઇ બાટા અને વિમલ કરસનભાઇ બાટા વિરૂધ્ધ અસહ્ય ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો ગુનો નોંધ્યો છે.
છેલ્લા બે વર્ષથી અમે ઇસ્કોન મંદિર પાછળ પરિવાર સોસાયટીમાં રહીએ છીએ. મારા બા અમારા ગામમાં નોકરી કરતાં હોઇ તેઓ રજાના દિવસોમાં અમારે ત્યાં આવતાં જતા રહે છે. દોઢેક વર્ષ પહેલા મારા ભાઇનો ફોન ખરાબ થઇ જતાં મારા ભાભી પાસે પડેલો ફોન માંગતા તેણે ફોન ન આપી ઝઘડો કર્યો હતો અને મારા બાને ઝાપટો મારી દીધી હતી. એ પછી ભાભી રિસામણે તેના માવતરે જતાં રહ્યા હતાં. ત્યારબાદ ભાભીએ મારા ભાઇ મહેશભાઇ ઉપર ભરણપોષણનો કેસ કર્યો હતો. જેની રકમ મારા ભાઇ નિયમીત ભરપાઇ કરતાં હતાં.
દરમિયાન ૧૭મીએ મંગળવારે મારા ભાઇને કોર્ટમાં મુદ્દત હતી.સવારે હું મારા કામે જતો રહ્યો હતો. મારો ભાઇ ઘરે એકલો હતો. સાંજે પોણા સાતેક વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પાટા મારતાં નકુચો તૂટી ગયો હતો. અંદર જોતાં મારા ભાઇ મહેશભાઇએ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં મેં રાડારાડી કરતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં.