Rajkot તા.10
રાજકોટ મનપા વેરા વસુલાત શાખાની રીકવરી ઝુંબેશ અંતર્ગત ડોર ટુ ડોર બાકીદારો પાસેથી માંગણાની વસુલાત સીલીંગ સાથે નળ કપાત, જપ્તી નોટીસ ઉપરાંત સ્થળ પર જ બાકી વેરાની વસુલાત કામગીરી આગળ ધપી રહી છે. આજે વેરા શાખાએ વોર્ડ નં.7ની સોનીબજારમાં આવેલ બાલાજી ચેમ્બર્સની 4 શોપ સહિત કુલ 15 મિલ્કતોને સીલ કરી હતી.
વેરા શાખાએ આજે વોર્ડ નં.5માં કુવાડવા રોડ પર શક્તિ સોસાયટીમાં બે નળ કપાત કરી રૂા.1.19 લાખની રીકવરી કરી હતી. આ ઉપરાંત સોનીબજારમાં ગોપાલ મેશન સેકન્ડ ફલોર યુનિટ 201, બાલાજી ચેમ્બર્સ થર્ડ ફલોર શોપ 303,304, સેકન્ડ ફલોર શોપ 202,204 સહિત કુલ 15 મિલ્કતોને સીલ કરી હતી, 1 યુનિટની નોટીસ સામે રીકવરી થઈ હતી.
આજે બપોર સુધીમાં કુલ રૂા.53.75 લાખની રીકવરી થઈ હતી. તા.1-4-24 થી આજ સુધીમાં રૂા.335.89 કરોડ સુધીની રિકવરી થવા પામી છે. હજુ પણ વેરા વસુલાત ઝુંબેશમાં રિકવરી કામગીરી ચાલુ છે.