Rajkot,તા.09
સૌરાષ્ટ્રમાં આજે જુદા-જુદા કારણોસર અપમૃત્યુના બે બનાવો બન્યા છે. જેમાં અમરેલીના માવજીંજવા ગામે કૂવામાં ડૂબી જવાથી પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ થયું છે. બીજા બનાવમાં જામનગરના બેડી વિસ્તારમાં રહેતી યુવતીને લાંબા સમયથી પેટમાં દુઃખાવો હોવાથી તે સહન ન થવાથી ગળાફંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બગસરાના માવજીંજવા ગામે કિશોરભાઈ ઠુંમરના ખેતરે જઈને કેટલાક શ્રમિક પાણીની કુંડીમાં નહાતા હતા એ વખતે રાજુભાઈ અર્જુનભાઈ પારગી (ઉ.વ.૩૦) નહાઈને કૂવા નજીકના લાકડા પર બેઠો હતો એ વખતે કોઈ અકસ્માતે લાકડા પરથી ગોથું મારીને સીધો કૂવામાં ખાબકતાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) નામની યુવતીને લાંબા સમયથી પેટની બીમારી હોવાથી દુઃખાવો થતો હતો. આ સમસ્યાથી કંટાળી જઈ પોતાના ઘરે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.