રાજકોટ, તા.15
હિરાસર સ્થિત ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બીજા તબકકામાં નવું ટર્મિનલનું કામ પૂર્ણ થતાં હવે લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તારીખ મેળવવા એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મીટીંગ મળી હતી.
ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સૌ પ્રથમવાર મળેલી એરપોર્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગમાં કમિટીના ચેરમેન અને સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મેમ્બર-સાંસદ રામભાઇ મોકરીયા, ક્ન્વીનર-એરપોર્ટ ડીરેક્ટર દિગંત બોરાટ, મેમ્બર મયુર શાહ, મેમ્બર ડો. પ્રકાશ મોઢા સહિતના મેમ્બરોની ઉપસ્થિતિમાં એરપોર્ટની હવાઇ સેવા સાથે મુસાફરોને સુવિધા-સુરક્ષા બાબતે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં હાલના હંગામી ટર્નિમલમાં પીવાના પાણીની વ્યવસ્થા, તુટી ગયેલી દિવાલોનું સમારકામ ટ્રાન્સપોર્ટેશન માટે દર એક કલાકે રાજકોટ ડેપોથી એરપોર્ટ સુધી એસ.ટી. બસ દોડાવવી, ઇન્ટરનેશનલ સેવા માટે જરૂરી ઇમીગ્રેશન અને કસ્ટમ વિભાગ શરૂ કરવા માટે કેન્દ્રીય લેવલની મંજુરી, સવારની દિલ્હી ફ્લાઇટ શરૂ કરવા દિલ્હીની માફક એરપોર્ટમાં પોલીસ ચોકીની સુવિધા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
હિરાસર ખાતે વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ રૂા.1405 કરોડના ખર્ચે પ્રથમ તબકકાનું કામ પૂર્ણ થતાં ગત તા.27મી જુલાઇ-2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે લોકાર્પણ થયા બાદ ડોમેસ્ટિક હવાઇ સેવા શરુ થઇ હતી.
સાથે કોર્ગોના સ્થળે હંગામી તૈયાર થતાં એરપોર્ટ ઓથોરીટીની મંજુરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ માટે તારીખ માંગવામાં આવશે તેવો નિબંધ એડવાઇઝરી કમિટીની મીટીંગમાં લેવાયો હતો.
મીટીંગ પૂર્ણ થયા બાદ કમીટી ચેરમેન સહિતના મેમ્બરોએ નવા ટર્મિનલની સુવિધા નિહાળી હતી. નવા ટર્મિનલ લોકાર્પણ માટે પીએમઓ કાર્યાલયમાંથી લીલીઝંડી મળતા જ તારીખ જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે માસ પહેલા જ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઇઝરી કમિટિની રચના થઇ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, પોલીસ કમિશ્નર, એરપોર્ટ ડીરેક્ટર, અન્ય મેમ્બરો સહિત 16નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમીટીની સૌ પ્રથમવાર મીટીંગ મળી હતી.