રાજકોટ, તા.10
સ્માર્ટ સીટી રાજકોટના 34માં મ્યુનિ. કમિશનર તરીકે આજે ભરૂચ કલેકટર તરીકે કામ કર્યા બાદ બદલી પામેલા આઇએએસ અધિકારી તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે. આજે બપોરે તેઓ પોતાના માતા-પિતા સાથે કચેરીએ આવ્યા હતા અને ચાર્જ સંભાળ્યા બાદ તુરંત અધિકારીઓ અને મુખ્ય વિભાગના અધિકારીઓ સાથે ટુંકી બેઠક કરી હતી. આજે બપોરે ચાર્જ સંભાળવા સાથે તેઓએ પ્રજાના તમામ કામો કરવા, ફરિયાદો અને રજુઆતો સાંભળવાનું જ કામ મુખ્ય અને સ્વાભાવિક હોવાનું કહીને પ્રજા માટે તેમના દરવાજા ખુલ્લા હોવાની લાગણી વ્યકત કરી હતી.
તા.28-5ના રોજ પૂર્વ કમિશનર આનંદ પટેલની બદલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ થઇ હતી. આ બાદ ડી.પી.દેસાઇ રાજકોટના કમિશનર બન્યા હતા. ગત અઠવાડિયે તેમની પણ બદલી થતા આજે તુષાર સુમેરાએ પદગ્રહણ કર્યુ હતું. 34માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે ચાર્જ સંભાળ્યા બાદ તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી.
તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારી રીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટ એ ઇમ્પોર્ટન્ટ સીટી ઓફ ઇન્ડિયા છે ત્યાં કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. આજે સવારે રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પોરેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી. જોઈને આનંદ થયો. હું મારી જાતને નશીબદાર માનું છું કે, જ્યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો છે.
રાજકોટ શહેરમાં જે કોઈ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિશ કરીશું. તેઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને તે બાદની સ્થિતિ અંગે હાલ કોઇ ટીપ્પણી કરવાને બદલે પૂરી ટીમ સાથે મળીને લોકોને સંતોષ થાય તે પ્રકારે કામ કરવા નેમ વ્યકત કરી હતી. અધિકારીઓ સાથેની મીટિંગ કહ્યું હતું કે, હું ખુબ એનર્જી અને ક્લીયર વિઝન સાથે રાજકોટમાં આવ્યો છું. આપણે બધા સાથે મળીને શહેર માટે કામગીરી કરીશું. રાજકોટ એ ઐતિહાસિક સિટી છે તેને આપણું સમજીને કામગીરી કરીશું. રાજકોટ મારી માતૃ ભૂમિ, જન્મ ભૂમિ, કર્મ ભૂમિ છે અહી કામ કરવું મારી જાતને નશીબદાર સમજુ છું.
એક બજેટ-ત્રણ કમિશનર: તુષાર સુમેરા સામે મોટો પડકાર
ધો.10માં નબળા પરિણામ છતાં સબળા સનદી અધિકારી સાબિત થયા : રાજકોટના વિદ્યાર્થી રાજકોટના કમિશનર બન્યાનો પ્રથમ કિસ્સો
ચાલુ વર્ષનું અંદાજપત્ર અડધે પણ પહોંચ્યુ નથી ત્યાં નવા બજેટની તૈયારી શરૂ : રાજીનામાના દૌર વચ્ચે વિશ્વાસની નવી ઇમારત બાંધવી પડશે
ભરૂચ જિલ્લા કલેકટર પદેથી રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે નિયુકિત થતા તુષાર સુમેરાએ ભરૂચનો ચાર્જ છોડયો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા કચેરીના સાથી અધિકારીઓ અને કર્મચારીઓએ ફુલોની કારપેટ પાથરીને, પુષ્પવર્ષા કરીને તેમને વિદાય આપી હતી. તુષાર સુમેરા તેમની ઓફિસ અને કચેરીની સીડીને વંદન કરીને ભરૂચથી રવાના થયા હતા અને આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા.
તેઓએ જુનાગઢમાં મ્યુનિ. કમિશનર સહિત શહેરી વિકાસ વિભાગમાં કરેલા કામનો અનુભવ પણ કામે આવશે. તુષાર સુમેરા વિદ્યાર્થી કાળથી રાજકોટ સાથે જોડાયેલા 2012ની બેચના 43 વર્ષના યુવા સનદી અધિકારી છે. તેમણે ટીમ વર્કનો કોલ આપ્યો છે. આજે સર્કિટ હાઉસ પહોંચતા રસ્તામાં આવેલી અને પોતે જયાં ભણ્યા હતા તે ચૌધરી હાઇસ્કુલ તથા રમેશભાઇ છાયા હાઇસ્કુલને નિહાળી રાજકોટની યાદો તાજા કરી હતી.
તેમણે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને જુનાગઢમાં અભ્યાસ કર્યો છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. રાજકોટમાં જન્મેલા કોઇ વિદ્યાર્થી રાજકોટમાં મ્યુનિ. કમિશ્ર્નર બન્યા હોય તેવું પણ પહેલીવાર બન્યું છે. તેઓ દેશના શ્રેષ્ઠ આઇએએસ અધિકારી તરીકે જાહેર થયા હતા.
ધો.10માં અંગ્રેજીમાં 3પ, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં માત્ર 38 માર્ક આવ્યા બાદ પણ તેમણે સનદી સેવામાં જોડાવવા લાંબી સફર શરૂ કરી હતી જે દરેક યુવાનો માટે પ્રેરણારૂપ બની ગઇ છે. નવા કમિશનર નવા સંજોગોમાં રાજકોટ આવ્યા છે. વહીવટી અને રાજકીય સ્થિતિ જુદી છે. સૌથી મહત્વની વાત બજેટની દેખાઇ રહી છે. એક પૂર્વ કમિશનરે બજેટ બનાવ્યું, બીજા કમિશનરે સાત મહિના આગળ વધાર્યુ. હવે તુષાર સુમેરાએ એવા સમયે ચાર્જ લીધો છે કે જયારે ચાલુ વર્ષના બજેટનો મોટો ભાગ અમલમાં લાવવાનું બાકી છે અને નવા વર્ષના બજેટની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. મોટા ફેરફારોથી વહીવટી વિભાગો વચ્ચે સંકલન મજબુત કરવા પડશે તો છેલ્લા મહિનાઓમાં દોઢ ડઝન જેટલા અધિકારીઓના રાજીનામા પડયા હોય, પ્રજા સાથે વહીવટી પાંખમાં વિશ્ર્વાસ મજબુત કરવાની જરૂર લાગે છે.
કોર્પો.ના અર્ધો ડઝન જેટલા અધિકારી અગ્નિકાંડ બાદ જેલમાં છે. આથી મનપાની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનને વિશ્ર્વાસમાં બદલવાની મોટી જવાબદારી પણ તુષાર સુમેરા પર આવી છે.
ભરૂચમાં લાગણીભરી વિદાય : ભરૂચ કલેકટર તરીકે ચાર્જ છોડયો ત્યારે તુષાર સુમેરા પર પુષ્પવર્ષા કરાઇ હતી. તેઓએ ઓફિસ અને સીડીને વંદન કરીને ભાવભરી વિદાય લીધી હતી.
રાજકોટના 34માં કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે બપોરે 12.30 કલાકે ચાર્જ સંભાળ્યો હતો. તેમની સાથે ભરૂચથી તેમના માતા-પિતા પણ રાજકોટ આવ્યા હોય, તેઓ પણ કચેરીમાં ઉપસ્થિત હતા અને કર્મભૂમિમાં કામ કરવા મળેલી તકથી ખુશી પણ વ્યકત કરી હતી.