Rajkot,તા.27
રાજકોટ શહેરના ભાવનગર રોડ પર શાળા નં-93 નજીકથી રીક્ષામાંથી રૂ. 5.94 લાખની કિંમતનો 3.965 કિલો ચરસના જથ્થા સાથે શબીર શેખ અને અક્ષય કથરેચાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ બંને શખ્સો પોતે પણ બંધાણી હોવાનું ખુલવા પામ્યું છે અને પોતાના સેવન માટે ફક્ત 100 ગ્રામ ચરસનો ઓર્ડર આપ્યો હતો પણ લખનઉનો જીતેન્દ્ર નામનો પેડલર ચાર કિલો જેવો જથ્થો આપી ગયો હતો.
શહેરમાં વાહન ચેકિંગ સહિતની ઝુંબેશ સઘન બનાવાઇ છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર શાળા નં.13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે અને ગણતરીની મિનિટોમાં આ બંને શખ્સ નશીલો પદાર્થ સગેવગે કરી નાખશે તેવી હકીકત મળતાં જ પીઆઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને રિક્ષાને કોર્ડન કરી લીધી હતી. પોલીસે તલાશી લેતા રિક્ષામાંથી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો. એફએસએલ નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.
પોલીસે રૂ.5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.6,59,750નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા અને મૂળ યુપીના લખનઉના વતની શબ્બીર સલીમ શેખ(ઉ.વ.32) અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા અક્ષય કિશોર કથરેચા (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી.
મામલામાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને શખ્સોએ પૂછપરછમાં એવી કેફીયત આપી છે કે, તેઓ બંને ચરસના બંધાણી હોય અને શબીર શેખ પોતે લખનઉનો વતની હોય લખનઉનો પેડલર જીતેન્દ્રના પરિચયમાં હતો. જીતેન્દ્રને 100 ગ્રામ ચરસ આપી જવા ઓર્ડર આપ્યો હતો પણ પેડલર ચાર કિલો જેવો જથ્થો આપી જતાં બંને શખ્સો ગ્રાહક શોધી રહ્યા હતા. દરમિયાન એસઓજીએ દરોડો પાડીને બંનેને માદક પદાર્થ સાથે ઝડપી લીધા હતા.