Rajkot,તા.14
શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયા બાદ પાંચ પાંચ મુદત પડવા છતાં કેટલાક આરોપીઓએ વકીલો નહિ રોકતા આજની મુદતમાં કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓની વીડિયો કોંફરન્સ દ્વારા હાજરી પુરી લઈ વકીલ રોકવા મુદ્દે પૂછપરછ કરી હતી. જેમાં 7 આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવાથી ડ્રાફ્ટ ચાર્જની સુનાવણી થઈ શકી નહીં હોવાથી આગામી તા.21 નવેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો. તા. 7 નવેમ્બરના રોજની મુદતમાં સરકાર પક્ષે 5000 પાનાના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આજની મુદતમાં કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકાયા ન હતા. પરંતુ તમામ આરોપીઓની વીડિયો કોંફરન્સ દ્વારા હાજરી પુરી લઈ વકીલ રોકવા મુદ્દે પૂછપરછ કરી હતી. જેમાં 7 આરોપીઓના વકીલ રોકવાના બાકી હોવાથી ડ્રાફ્ટ ચાર્જની સુનાવણી થઈ શકી નહીં હોવાથી આગામી તા.21 નવેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશેઆ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા, હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
અગ્નિકાંડમા ATP જયદીપ ચૌધરીએ કરી જામીન અરજી: મંગળવારે સુનાવણી
રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ ખેડૂત, આસિ.ફાયર ઓફિસર અને સસ્પેન્ડ બે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કરેલી જામીન અરજી રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લેનર જયદીપ ચૌધરી જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરી છે. જે જામીન અરજીમાં 19મી નવેમ્બરની મુદત પડી છે.
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લેનર જયદીપ બાલુભાઈ ચૌધરી જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરી છે. જે જામીન અરજીમાં મુદત પડતા આગામી 19મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.