Rajkot,તા.05
શહેરના નવાગામ નજીક એક યુવક પર વઢીયાળા બંધુઓએ પથ્થરના છૂટા ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં કુવાડવા પોલીસે બંને વઢીયાળા બંધુઓ પર ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
કુવાડવા પોલીસમાં અજયભાઈ પોવાભાઈ કાનજીયા(ઉં.વ. 23 રહે.નવાગામ આણંદપર)વાળાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૦૪/૧૨/૨૪ ના બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે હું મારા ઘરેથી ચાલીને ઘર પાસે આવેલ વાણંદની દુકાને દાઢી કરાવવા ગયેલ હતો અને આશરે ચારેક વાગ્યે દાઢી કરાવી મારા ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં મને જયંતીભાઈ રામજીભાઈ વઢીયાળા રહે. નવાગામ આણંદપરવાળો સામો મળેલ અને મને કહેલ કે તું સીન કેમ મારે છે ? તેમ કહેતા મેં તેને કહેલ કે મેં ક્યા તારું નામ લીધું છે. ત્યારે જયંતિ ઉશ્કેરાઈ ગયેલ અને મને ગાળો દેવા લાગેલ જેથી હું આગળ ચાલવા જતા જયંતિનો ભાઈ ભાવેશ રામજીભાઈ વઢીયાળા પણ આવી ગયેલ હતો.
બંને ભાઈઓએ મારા ઉપર છુટા પથ્થરના કરવા લાગતા એક ઘા ડાબા નેણ પાસે અને એક ઘા જમણા નેણ પાસે લગતા લોહી નીકળવા લાગ્યુ હતું. પથ્થરથી બચવા પોતે પાછળ ફરી જતાં પથ્થરનો એક ઘા માથામાં લાગતા પોતે નીચે ઢળી પડ્યો હતો અને બંને હુમલાખોરો નાસી ગયાં હતા. બાદમાં આસપાસના લોકોએ મને હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.