Rajkot , તા.4
રાજકોટના સૌથી જુના પૈકીના એક એવા દાણાપીઠ વિસ્તારમાં આવેલી મસ્જિદના ટ્રસ્ટીઓએ તેમના સાત દાયકા જુના ત્રણ ભાડુત વેપારીઓની દુકાનનો સામાન બહાર ફેંકી દઇ, જગ્યા ખાલી કરાવવા કરેલા કૃત્યના ગૃહવિભાગ સુધી પડઘા પડયા બાદ 24 કલાકમાં જ પોલીસે કાયદા પાસે કાયદાનું કામ કરાવીને દુકાનનો કબ્જો ફરી વેપારીઓને સોંપ્યો છે.
તો આવી દાદાગીરી કરનાર મસ્જિદના ટ્રસ્ટી સહિતના પાંચ શખ્સોની ધરપકડ કરી જેલહવાલે કરાવ્યા છે ત્યારે આજે રાજકોટ આવેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દાણાપીઠના આ મસ્જિદ વિસ્તારની મુલાકાતે પહોંચવાના છે.
ગઇકાલે રાત્રે પોલીસ તંત્ર પર આ સંભવિત મુલાકાતનો સંદેશો આવી ગયો હતો. બાદમાં આજે સવારે ગૃહ રાજયમંત્રી આ મિલ્કતની મુલાકાતે જશે તેવો મેસેજ આવતા હોસ્પિટલ ચોકથી મોચી બજાર ચબુતરા, ત્યાંથી દાણાપીઠ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકાઇ ગયો છે.
ગૃહમંત્રીએ પોતે પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર પણ નિર્દોષ વેપારીઓને ન્યાય મળ્યાનું દર્શાવ્યું હતું. સાથે જ રાજય સરકાર આવા કોઇપણ કેસમાં કાયદાના રસ્તે વેપારી સહિતના વર્ગ સાથે કાયમ રહેશે તેવું વલણ પણ સ્પષ્ટ કર્યુ હતું. આ કેસમાં 24 કલાકમાં થયેલી કડક અને કાયદા મુજબની કાર્યવાહીમાં ગૃહ વિભાગનું સતત માર્ગદર્શન હતું તે પણ ઉલ્લેખનીય છે.
દાણાપીઠમાં વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ત્રણ દુકાનનો માલસામાન બહાર ફેંકી વેપારીઓને ધમકી આપવાના બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાયા બાદ મસ્જિદના ટ્રસ્ટીઓએ ત્રણેય વેપારીઓને દુકાન પરત કરી હતી. તેમજ પોલીસ દ્વારા આરોપી ફારૂક મુસાણી અને અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે કિરણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ કોટેચા (ઉ.વ.72) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફારૂક મુસાણી તથા તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સોના નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મોચીબજાર દાણાપીઠ મેઇન રોડ, નવાબ મસ્જીદની બાજુમાં મંડપ સર્વિસની દુકાન આવેલ છે અને છેલ્લા સીતેરેક વર્ષ પહેલા તેઓના પિતાએ નવાબ મસ્જીદના ટ્રસ્ટની ભાડાની દુકાનમાં મંડપ સર્વિસની દુકાન પાંચ દાયકાથી ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
તેઓની મંડપ સર્વીસની દુકાનની બાજુમાં બીજી બે અન્ય દુકાન જેમાં અભિષેકભાઈ ઠક્કર અને હસમુખભાઇ મહેતાની હોય અને બન્ને દુકાનો પણ નવાબ મસ્જીદના ટ્રસ્ટની હોય અને પોતે ભાડેથી ચલાવતા હતા. તેઓ તેમના ભત્રીજાની દુકાને બેઠાં હતા ત્યારે આરોપીઓએ મસ્જિદના ટ્રસ્ટી હોવાનું કહીને દુકાનનો સામાન બહાર ફેંકી દીધો હતો. વકફ બોર્ડના નામે તેમણે દુકાન ખાલી કરાવવાનો હુકમ હોવાનું કહ્યું હતું.
આ બનાવ અંગેની ફરીયાદ બાદ પોલીસ એક્શનમાં આવતાં મસ્જિદના ટ્રસ્ટીઓએ ત્રણેય વેપારીઓને સાંજે જ દુકાનો પરત અપાવી દિધી હતી. આ બનાવ બાદ આજે ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે આવ્યા છે.