Rajkot,તા.06
રાજકોટનાં રેલનગરમાં આજે સાંજે સિટી બસના ચાલકને હાર્ટએટેક આવતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસે બે ટુ-વ્હીલર અને એક રિક્ષાને હડફેટે લેતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં સિટી બસના ચાલક અને રાહદારી મહિલાનું મોત નિપજયું હતું. જયારે બેને ઈજા થતાં સિવીલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
૪૦ નંબરની સિટી બસના ચાલકને રેલનગરમાં આજે સાંજે હાર્ટએટેક આવ્યો હતો. જેને કારણે બસ ચાલક પરસોતમભાઈ રવજીભાઈ બારૈયા (ઉ.વ.આ.પ૬)એ સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં બસે બે એકટિવા અને એક રિક્ષા ઉપરાંત રેકડીને હડફેટે લેતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બસે પગપાળા જતાં અને રેલનગરમાં રહેતાં સંગીતાબેન ગંગારામભાઈ માકડીયા (ઉ.વ.આ. ૩પ), મુકેશ તાજસિંહ મંડોડ (ઉ.વ.૩૧) અને રેલનગરમાં જ રહેતાં મનિષાબેન વર્મા (ઉ.વ.૩૬)ને હડફેટે લેતાં ઘવાયા હતા. જેમાંથી બસ ચાલક પરસોતમભાઈ, સંગીતાબેન અને મુકેશભાઈને સિવીલ લઈ અવાતાં ફરજ પરના તબીબે પરસોતમભાઈ અને સંગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. મનિષાબેનને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. હાર્ટએટેક આવતાં બસની સીટ પર જ ચાલક પરસોતમભાઈ ઢળી પડયા હતા. તેને બસમાંથી ઉતારી ૧૦૮માં સિવીલ ખસેડાયા હતા.
જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પ્ર.નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ અને સિવીલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૃરી કાર્યવાહી કરી હતી.