ચાર સ્વામી સહીત કુલ આઠ શખ્સોએ અલગ અલગ રાજ્યોમાં રૂ. 150 કરોડથી વધુ રકમની આચરી છેતરપિંડી
Rajkot,તા.18
રાજકોટના જમીન મકાનના ધંધાર્થી સાથે છએક માસ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢયેલા ચાર સાધુઓ સહીત કુલ આઠ શખ્સોની ટોળકીએ મંદિર બનાવવા જમીન ખરીદવી છે તેવું કહી રૂ. 3 કરોડની છેતરપિંડી આચરી હતી. જે મામલે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયા બાદ તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખા અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. મામલામાં અગાઉ બે સ્વામી સહીત પાંચ શખ્સોની ધરપકડ થયાં બાદ કૌભાંડમાં જમીન દલાલની ભૂમિકા ભજવનાર સુરેશ ઘોરીને પણ ઝડપી લેવાયો છે. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યો છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી જસ્મીન માઢક અને એડવોકેટ સાથે 3 કરોડથી વધુ રકમની છેતરપીંડી થઈ હતી. જેમાં બનાવની વિગત એવી છે કે, પોઇચા ખાતે છે તેવું સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવાનું કહીં વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સહિત 8 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂ.3 કરોડથી વધુ પડાવ્યા હોવાની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેમાં આરોપી તરીકે ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી. સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી પી સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણના નામ આપ્યા હતા.
જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સૌ પ્રથમ લાલજી ઢોલાને સુરતથી ઝડપ્યો હતો. જે બાદ બાતમી મળતા પીઆઈ કૈલાના માર્ગદર્શનમાં ઇકો સેલની ટીમ ગોવા પહોંચી હતી અને બોગસ ખેડૂત કહેવાતા ભુપેન્દ્ર અને વિજયસિંહને ઝડપી લીધા હતા. બાદ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપતા પ્રથમ જે કે સ્વામી અને ત્યારબાદ વી પી સ્વામીને ઝડપી લીધા બાદ હવે જમીન દલાલની ભૂમિકા ભજવાનર સુરેશ ઘોરીને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
સીઆઈડી ક્રાઇમે ઠગ સુરેશ રતિલાલ ઘોરી(મૂળ ભંડારીયા, તળાજા, ભાવનગર અને હાલ રહે. સુરત)ની ધરપકડ કરી અદાલતમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો છે. રિમાન્ડ મળ્યા બાદ અન્ય બે ભાગેડું ડી પી સ્વામી અને એમ પી સ્વામીના સગડ મળી આવવાની પુરેપુરી સંભાવના છે. જયારે આ ઠગ ટોળકીએ અલગ અલગ રાજ્યોમાં આચરેલી અંદાજિત રૂ. 150 કરોડની છેતરપિંડીમાં પણ અનેક ઘટસ્ફોટ થવાના એંધાણ છે.