Rajkot,તા.20
મંગળવારે ભાવનગરના ગીચ વિસ્તારમાં આવેલા કટલરીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને ચાર કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ રાજકોટના પડઘરી નજીક એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેને જોતજોતાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ કાબૂમાં ન આવતાં જામનગર, મોરબી અને ગોંડલથી ફાયરબ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. આખી રાત ભારે જહેમત બાદ અત્યાર 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સંપૂર્ણ આગ ઓલવવામાં બપોર સુધીનો સમય લાગે એવું અનુમાન છે.
પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મટિરિયલનો જથ્થો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતી. આગની ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેના લીધે વહેલી સવાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફેક્ટરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કંઇ જાણવા મળ્યું નથી. ત્રણેય જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી હોવાથી બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવી શકાય તેવી શક્યતા છે.