Rajkot,તા.19
રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યાની તાજેતરમાં ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહે જીલ્લા કલેકટરને કરેલી ફરીયાદ બાદ શહેરના વોર્ડ નં.7,8 અને 14ના વિસ્તારોમાં પણ અશાંત ધારાનો અમલ કરવાની માંગણી સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, આ વિસ્તારના વેપારીઓ અને નગરજનો સાથે કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ અંગે કલેકટર પ્રભવ જોશી સમક્ષ રજૂઆત કરી હતી.
જેમાં વોર્ડ નં.7,8 અને 14ના પ્રહલાદ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર, સોની બજાર, જયરાજપ્લોટ, લક્ષ્મીવાડી, લક્ષ્મીનગર, દિવાનપરા, ગુંદાવાડી, રાધાનગર, નંદકિશોર, કૃષ્ણનગર, અનુપમાનગર, રાજનગર, સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા રજુઆત કરવામાં આવી હતી.
આમ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને વેપારીઓએ જણાવ્યું હતું કે, ઉપરોકત ત્રણેય વોર્ડમાં અશાંત ધારા લાગુ કરવા માટે છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. જેમાં 10 વખત કલેકટરને મળી આ મામલે રજૂઆત કરાયેલ છે. પરંતુ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હોય આ વિસ્તારના પ્રજાજનોમાં ભારે નારાજગી ફેલાયેલ છે.
આ વિસ્તારમાં મુસ્લીમ સમાજના કેટલાક સદસ્યો દ્વારા સ્વામિનારાયણ મંદિર, હવેલી, દેરાસર, સહિતના ધાર્મિક સ્થાનો પર મકાનો ખરીદી બીનઅધિકૃત પ્રવૃતીઓ કરી રહ્યા હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત હિન્દુ સમાજના સદસ્યોના મકાન પાસે અમુક શખ્સો ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખી તેનો કચરો રોડ પર ફેંકતા હોય હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે.
ઈંડાની લારીનો કચરો જાહેર રોડ પર ફેંકાતો હોય આ અંગે પગલા લેવા મ્યુનિ. કોર્પોરેશનને પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવેલ નથી. ત્યારે ઉપરોકત ત્રણેય વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ વિશાલભાઈ માંડલીયા, સુભાષભાઈ સહિતના વેપારીઓએ દોહરાવી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યાની ધારાસભ્ય દર્શિતાબેન શાહે કલેકટરને ફરીયાદ કરી હતી જે બાદ કલેકટર તંત્ર એકશનમાં આવી તપાસ શરૂ કરી છે.
જેમાં મુસ્લીમ સમાજના સદસ્યો હિન્દુ સમાજની વ્યકિતઓના નામે મકાન ખરીદી વસવાટ કરતા હોવાની ફરીયાદ અંગે પોલીસે પણ આવા વિસ્તારોમાં રૂબરૂ પહોંચી તપાસણી કરી હતી. જે બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ વોર્ડ નં.7,8 અને 14માં અશાંત ધારો લાગુ કરવા માટે વેપારીઓ સાથે કલેકટરને રજૂઆત આજે કરી હતી.