Rajkot,તા.27
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૪ના ગાળામાં વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવાની કામગીરી અંગે જિલ્લા પૂરવઠા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના એક લાખ ૨૩ હજાર લાભાર્થીઓને સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવા ગેસ એજન્સીઓને જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.
જિલ્લા પૂરવઠા અધિકારી સુશ્રી રાજેશ્રી વંગવાણીની અધ્યક્ષતામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે, આઈ.ઓ.સી.એલ., બી.પી.સી.એલ., એચ.પી.સી.એલ.ના અધિકારીઓ તથા ગેસ એજન્સીઓના પ્રમુખોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં જણાવાયું હતું કે, ૨૦૨૪માં એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં રાજકોટ જિલ્લાના ૧,૩૨,૩૦૪ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ રિફિલિંગની સુવિધા આપવામાં આવી છે. હવે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં વિનામૂલ્યે રિફિલિંગ માટે જિલ્લાના ૧,૨૩,૬૧૮ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર છે. ચાલુ માસ તથા ડિસેમ્બરના અંત સુધીમાં તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અંતર્ગત વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગ સમય મર્યાદામાં મળી રહે, તે માટે ઓ.એમ.સી. તથા ગેસ એજન્સી એસોસિએશનના પ્રમુખોને જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.