Rajkot,તા.04
શહેરના ભક્તિનગર પોલીસ મથક હેઠળ આવતા ગુંદાવાડી નજીક બે સગીરોના ટોળાં વચ્ચે સાઈડ કાપવા બાબતે બોલાચાલી થયાં બાદ મિલન બગીચા નજીક મારામારી થયાંનો બનાવ સામે આવ્યો છે. મામલામાં ભક્તિનગર પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
મામલામાં અશ્વીનભાઈ ભગવાનજીભાઈ(ઉ.વ ૪૧ રહે. મિલપરા શેરી નં. ૨૬)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક બોરીચા, મિહિર બોરીચા, નીલુ બોરીચા અને અજાણ્યા આઠ શખ્સોણા નામ આપતાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેમાં મોટી દીકરી પ્રીયાંશી ઉ.વ. ૧૭, તેનાથી નાનો દીકરો મિત ઉ.વ.૧૫ તથા સૌથી નાની દીકરી નિયતિ ઉ.વ. ૧૪ વાળી છે. ગઇ તા.૦૨/ ૦૧/ ૨૦૨૫ ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે હું ઘરે હાજર હતો ત્યારે મારો દીકરો મિત રોતા રોતા ઘરે આવેલ હતો અને જણાવ્યું હતું કે, રાણીંગા વાડી શેરીમાંથી હું ઈ.વી. સ્કૂટર લઈને જતો હતો અને મારો મિત્ર પ્રીન્સ પાછળ બેસેલ હતો. તે વખતે પાછળથી કોઈ સાઇડ લેવા માટે હોર્ન વગાડતા હતા. પરંતુ સાઇડ નહિ આપતા પાછળથી આવતા મોટરસાયકલ વાળાએ મારી સાઇડ કાપેલ અને મને ઉભો રહેવા ઇશારો કરતા મેં સ્કૂટર ઉભું રાખી દીધું હતું. મોટર સાયકલ ચાલક હાર્દીક બોરીચા હોય .
મિલન બગીચે સમાધાનની વાત કરતા હાર્દીકે ગાળો આપી હતી. થોડીવારમાં હાર્દિકનો ભાઈ મિહિર એક અન્ય અજાણ્યા શખ્સ સાથે ધસી આવ્યો હતો. મિહિરે આવીને મને તથા મનનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાર્દિકે પણ માર માર્યો હતો. મિત ત્યાંથી જતો રહેલ બાદ થોડીવારમાં એક એનડેવર ફોર વ્હીલ કાર જેના રજી. નંબર જી.જે.- ૦૩- એલ.આર.- ૬૯૦૫ આવેલ હતી. જેમાંથી ત્રણ જણાં ઉતરેલ હતા. તે ત્રણેય હાર્દીક બોરીચા સાથે થયેલ માથાકુટ બાબતે મારી સાથે વાતચીત કરતા હતા તે દરમ્યાન થોડીવારમા વારા ફરતી ત્રણ મોટર સાયકલમા ચાર જણા આવેલ હતા. જેમા મોટર સાયકલમા હાર્દીક બોરીચાના કાકા નિલુ બોરીચા તથા ત્રણ અજાણ્યા માણસો એમ કુલ ચાર જણા આવ્યા હતા. બાદમાં તમામ શખ્સો મને ગાળો દેવા લાગેલ અને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. દરમિયાન મારા સંબંધી કેવીન મેવાડા પણ ત્યાં આવી ગયો હતો અને તેણે વચ્ચે પડીને મને છોડાવ્યો હતો.
સમાપક્ષે સંજયભાઇ પુનાભાઇ સવસેટા (ઉ.વ.૪૩ રહે. કોઠારીયા કોલોની)એ મિત વરુ અને મનન વરુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીની રાત્રે સાડા દસ વાગ્યે ગુંદાવાડી નજીક ઉભો હતો ત્યારે પુત્ર હાર્દિકે આવીને જણાવ્યુ હતું કે, હું અને વંશીલ બંને હોટેલમાં જમીને ઘરે આવી રહ્યા હતા ત્યારે રાણીંગા વાડી શેરી પાસે પહોંચતા પાછળથી કોઈ એક્ટિવાના ચાલકે સાઈડ લેવા માટે હોર્ન વગાડતા અને લાઈટની ડીપ્પર મારતા હતા. એટલે મે તેમને સાઇડ આપતા મને ઉભો રહેવા ઈશારો કરતા હું ઉભો રહી ગયો હતો જે બાદ એક્ટિવા ચાલક મિતએ કાંઈ હવા છે? તેમ કહી મારવાની ધમકી આપી હતી. બાદમાં મારા હાથમાંથી મોબાઈલ લઇ પોતાનો નંબર ડાયલ કરી મિલન બગીચે આવજે તેવું જણાવ્યું હતું. જે બસ હું અને મિલન મારૂ એક્ટિવા લઇ અને મીલન બગીચે ગયેલ હતા. ત્યારે ત્યા આ મીત વરૂ અને મનન વરૂ બન્ને ત્યાં હાજર હતા.
ત્યારે મિતએ બેફામ ગાળો આપી મને ઢીકા પાટુનો માર મારેલ હતો. મનન વરૂએ શરૂઆતમા મને પકડી રાખેલ અને બાદમા તેણે પણ ઢીકાપાટુનો માર મારેલ હતો. એટલે તરત જ મે મોટાભાઇ મિહિરને ફોન કરી અને બોલાવી લીધેલ હતા. આ સમય દરમીયાન મીત વરૂ અને મનન વરૂ મને ગાળો દેતા હોય જેથી મે ગાળો દેવાની ના પાડેલ અને વધુ માથાકુટ ના થાય તે માટે લોકો અમોને છુટા પાડતા હતા, ત્યારે થોડીવારમાં મિહિર આવી જતા આ બન્ને વ્યક્તિઓએ મને અને મારા ભાઈને પણ મારી નાખવાની ધમકી આપેલ એટલે મોટાભાઈ મિહિરે નિર્મળકાકાને ફોન કરી મીલન બગીચે બોલાવેલ હતા. થોડીવારમાં કાકા આવી જતા તેમણે વચે પડીને અમને છોડાવ્યા હતા.
મામલામાં ભક્તિનગર પોલીસે સામસામે પાંચના નામજોગ અને આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.