બિભત્સ ફોટો પાડી લીધા બાદ પીડિતાના પિતાને મોકલ્યા, આશિષ રાવલની ધરપકડ
Rajkot,તા.05
શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ ખાતામાં આઉટસોર્સીંગ ડ્રાયવર તરીકે નોકરી કરતા આશિષ રાવલ નામના શખ્સે લગ્નની લાલચ આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. ઉપરાંત પીડિતાના બિભત્સ ફોટો પાડી લઇ તેના જ પિતાને મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. મામલામાં 35 વર્ષીય પીડિતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આશિષ રાવલની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના પોશ એરિયામાં રહેતી એક 35 વર્ષીય ત્યક્તાએ ફરિયાદમાં પોલીસ ખાતામાં આઉટસોર્સીંગ ડ્રાયવર તરીકે નોકરી કરતા આશિષ રાવલનું(ઉ.વ. આશરે 45) નામ આપ્યું છે. પીડિતાને કુલ બે સંતાન છે અને પતિ આફ્રિકા ખાતે રહે છે. પતિ સાથે મનમેળ નહિ હોવાથી પીડિતાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું જેના માટે આશિષ રાવલના પત્ની કે જેઓ વકીલાત કરતા હોય તેમનો સંપર્ક કર્યો હતો. છૂટાછેડાના કેસ માટે પીડિતા આરોપીના પત્નીને વર્ષ 2022માં મળવા ગયાં હતા તે સમયે આશિષ રાવલ સાથે પરિચય થયો હતો. જે બાદ બંનેએ સોશિયલ મીડિયામાં વાતચીત કરતા બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જેથી એકબીજાના નંબરની આપ-લે કરી વાતચીત કરતા બંને વચ્ચે સંબંધ કેળવાયો હતો.
જે બાદ આશિષ રાવલે પીડિતાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ઘરે જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે દરમિયાન આરોપીએ પીડિતાના બિભત્સ ફોટો પણ પાડી લીધા હતા. બે વર્ષ સુધી આ મિત્રતા ચાલ્યા બાદ લગ્ન બાબતે પૂછતાં બંને વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આશિષ રાવલ વારંવાર પીડિતાના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. દરમિયાન આશિષે પીડિતાને સમાધાન માટે રૈયા રોડ પર બોલાવી હતી અને ત્યાં મારકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દરમિયાન આશિષએ પીડિતાના બિભત્સ ફોટો તેના જ પિતાને વોટ્સઅપ મારફત મોકલી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી પિતાએ આ બાબતે પીડિતાને પૂછતાં સમગ્ર મામલા પરથી પડદો ઊંચકાયો હતો અને પીડિતાએ તેના પિતાને તમામ ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી પિતાએ હિંમત આપતાં મામલામાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી.
આશિષ રાવલ અગાઉ પોલીસ ખાતામાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.