Rajkot,તા.02
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આદેશથી રાજ્યના તમામ બાર એસોસિયેશનોની ચૂંટણી એક જ દિવસે યોજવાના આદેશને પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા તા. 20 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન સંદર્ભે આજે નામપત્રો રજૂ કરવાના પ્રથમ દિવસે ચૂંટણી અધિકારી પાસેથી 1 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. 6 હોદ્દેદારો અને દસ કારોબારી સભ્યની યોજનારી ચૂંટણી સંદર્ભે પ્રમુખપદના ઉમેદવાર દિલીપ જોષીએ તેમની કાર્યદક્ષ પેનલ, પરેશ મારુએ હોદ્દેદારો સહિતના છ ઉમેદવારો, હાલના પ્રમુખ બકુલ રાજાણી તેમની પેનલ નક્કી કરવામાં વ્યસ્ત હતા. રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2025ના વર્ષની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા રિટર્નિંગ ઓફિસર્સ (ચૂંટણી અધીકારીઓ) જયેશભાઈ એન. અતીત, કેતનભાઈ ડી. શાહ તથા જતીનભાઈ વી. ઠકકર દ્વારા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, એક મહિલા અનામત સહિત 10 કારોબારી સભ્યોની ચૂંટણીના તા. 20 ડિસેમ્બરે થનારા મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણીની ગતિવિધિનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તા. ૨/૧૨થી ૬/ ૧૨/ ૨૦૨૪ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૯/ ૧૨/ ૨૦૨૪ અને ઉમેદવારોની પ્રથમ યાદી આજ દિવસે સાંજે 5:00 વાગ્યા સુધીમાં જાહેર થશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તા. 10/ 12/ 2024ના સાંજે 5:00 વાગ્યા સુધી, ઉમેદવારોની આખરી યાદી તારીખ 11/ 12/ 2024ના સાંજે પાંચ વાગ્યે, ચૂંટણીનું મતદાન તારીખ 20 12 2024 ના શુક્રવારે સવારે 9:00 થી બપોરે ત્રણ વાગ્યા સુધી ન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ પ્રથમ માળે યોજાશે, આ જ દિવસે બપોરે 4:00 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જે રાત્રીના પુરી થશે. આજે બપોરે આ લખાય છે ત્યાં સુધીમાં માત્ર એક ઉમેદવાર રમેશ આદ્રોજાએ કારોબારી સભ્ય માટેનું ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે સિનિયર એડવોકેટ દિલીપ જોષીએ પેનલમાં મહિલા કારોબારી સભ્યના ઉમેદવાર બાકી છે, પરેશ મારુએ હોદેદારો સહિત છ ઉમેદવારો નક્કી કર્યા છે, જ્યારે બકુલ રાજાણી તેમની પેનલ નક્કી કરવામાં વ્યસ્ત હોય, પેનલો બનાવ્યા બાદ ઉમેદવારી પત્રો રજૂ કરશે તેમ જાણવા મળે છે.