તા. 9 ને સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી,તા. ૧૧મી એ ચિત્ર સ્પષ્ટ તા.20મી એ મતદાન અને રાત્રે પરિણામ
Rajkot,તા.૭
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ૨૦૨૫ માટે મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે છ હોદેદારો અને 10 કારોબારી સભ્યો મળી કુલ 16 જગ્યાઓ માટે કુલ 53 ફોર્મ રજૂ થયા છે. તારીખ 9 ને સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ૨૦૨૫માં પ્રમુખપદ, ઉપ-પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી વગેરે છ હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી સભ્યોઓ મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણી તા. 20 ડિસેમ્બરના રોજ યોજવાની છે. જેમાં પ્રમુખપદ માટે છ ઉમેદવારો અને સેક્રેટરી માટે પાંચ ઉમેદવારી નોંધાઇ છે, જોકે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ તા. ૧૧ ડિસેમ્બરે ઉમેદવારોનું સ્પષ્ટ થશે. શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં પ્રથમવાર યોજવા જઈ રહેલી બાર એસોસિયેશનની વર્ષ 2025ની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ત્રિપાખીયો જંગના મંડાણ મંડાઇ રહ્યા છે. જેમાં સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ જોષીની કાર્યદક્ષ પેનલ, એડવોકેટ પરેશ મારુની સમરસ પેનલ અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ મેદાનમાં આવતા રોમાંચક જંગ જામ્યો છે.
આ ઉપરાંત પ્રમુખપદ માટે વધુ સ્વતંત્ર ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં એડવોકેટ અતુલભાઇ મોહનભાઈ જોષી, હરિસિંહ મનુભા વાઘેલા અને કૌશિક કાંતિલાલ પંડ્યાએ ફોર્મ રજૂ કર્યું છે.જેમાં મુખ્ય ત્રણ પેનલ ઉમેદવાર સંદીપ વેકરીયા, કેતન દવે, જ્યારે પરેશ મનસુખલાલ વ્યાસ અને રમેશચંદ્ર ધનજીભાઈનો સમાવેશ થાય છે. બાર એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે વિવિધ જગ્યાઓ પર કુલ 53 ફોર્મ ભરાઈને આવ્યા છે. તારીખ 9 ફોર્મ ચકાસણી થયા બાદ પ્રથમ ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે. બાર એસોસિયેશન દ્વારા જાહેર થયેલી ચૂંટણી કાર્યક્રમમાં તારીખ 20મીએ સવારે 9:00 કલાકે બપોરના ત્રણ કલાક દરમિયાન મતદાન યોજાશે. ત્યારબાદ સાંજના મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.