યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા નામની કંપનીએ ચોક્કસ સમયગાળામાં રૂપિયા ડબલ થઇ જવાની લાલચ આપી રોકાણ કરાવ્યું : પાકતી મુદ્દતે નાણાં પરત નહિ આપી છેતરપિંડી
Rajkot,તા.27
રાજકોટ મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહિલા કર્મી સાથે ફિક્સ ડિપોઝીટ સ્કીમના નામે યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા નામની કંપનીએ રૂ. 5.20 લાખની છેતરપિંડી આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં કો-ઓપરેટીવ સોસાયટીના ડિરેકટરો સામે ગુનો નોંધી યુનિવર્સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સપોર્ટ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાખીબેન દિનેશભાઇ શાહ(ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી સાતેક વર્ષે પહેલા મારે ફિક્સ ડીપોઝીટ કરાવવી હોય જેથી મે મારા બહેન પીનાબેનને આ અંગે વાત કરી હતી. જેથી બહેને ધનસુખભાઈ જેઠાભાઈ લોલવાણી અને રાજેશભાઈ ગોવીંદભાઈ ચૌહાણ (રહે બંને જામનગર) સાથે મુલાકાત કરાવી હતી. ફરિયાદીએ જણાવ્યું છે કે, બન્ને લોકો મારા ઘરે વર્ષ ૨૦૧૭મા આવેલ હતા અને મને કહેલ હતું કે, તેઓની યુનીક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પસ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ(યુ નીક મર્કેન્ટાઈલ ઈન્ડીયા પ્રા.લીમીટેડ) નામની કંપની છે અને જે આર.બી.આઈ દ્રારા રજીસ્ટર થયેલ છે તેમા બન્ને એજન્ટ તરીકે નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની કંપની ફિક્સ ડીપોઝીટનુ સારૂ એવુ વ્યાજ આપે છે તો તમે અમારી કંપનીમા તમારા પૈસા ડીપોઝીટ કરી શકો છો. જે બાદ અલગ-અલગ ડીપોઝીટ પ્લાન તથા ડીપોઝીટ કરેલ પ્લાન ચાર વર્ષ બાદ સરેન્ડર કરી શકાય તેમ સમજાવેલ હતુ.ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમણે આ બંને શખ્સોને પોતાનું અને તેમની માતા રેખાબેનનું આધાર કાર્ડ તથા પાન કાર્ડની નકલો આપેલ હતી. જે બાદ ગત તા. 28 ફેબ્રુઆરી 2017થી એકાદ વર્ષ સુધી અલગ અલગ સ્કીમમાં કટકે કટકે કુલ રૂ. 5.20 લાખની મૂડી ફિક્સ ડિપોઝીટમાં મૂકી હતી. આ તમામ ડિપોઝીટની મુદ્દત પૂર્ણ થતાં પાકતી મુદતની પોલીસીની ડીપોઝીટની રકમ મેળવવા માટે હુ કંપનીની માલવિયા ચોક સ્થિત પ્રમુખસ્વામી આર્કેડ ખાતે આવેલી ઓફિસ ખાતે ગઈ હતી. જ્યાં કંપનીના ઓફીસ દ્રારા કંપનીના કર્મચારીઓએ મને કહેલ કે અમારી કંપની હાલ ખોટમાં ચાલે છે અને હાલ અમે તમારા ડીપોઝીટના રૂપીયા આપી શકશુ નહી. તમારા રૂપીયા અમદાવાદ ખાતે અમારી કંપનીની મેઈન ઓફીસ ખાતેથી તમારા ખાતામા જમા થશે. જે રૂપિયા જમા નહિ થતાં હુ કંપનીની મેઈન ઓફીસ યુનીક હાઉસ ત્રીજા માળે, યુનીયન બેન્ક ઓફ ઇન્ડીયા સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આજથી એકાદ વર્ષ પહેલા રૂબરૂ ગયેલ હતી અને મને કહેલ કે બે ત્રણ મહીનામાં તમારા ખાતામા રૂપીયા જમા થઈ જશે અને હજુ સુધી મારા તથા મારા માતા રેખાબેનના રોકાણ કરેલ ડીપોઝીટના કુલ રૂપીયા ૫,૨૦,૦૦૦ મારા તથા મારા માતા રેખાબેનના ખાતામા રૂપીયા આજદિન સુધી જમા કરેલ ન હોય અને મારી સાથે વિશ્વાસઘાત કરેલ હોય ત્યારે આ મામલર તેમણે ફરિયાદ નોંધાવી છે.